ગુજરાતમાં થાય એટલુ ઓછું: આ ગામમાં દારૂના અડ્ડા પર પોલીસ મધરાતે રેડ કરી, તો બૂટલેગરે ફાયરિંગ કર્યું, પોલીસે પણ ધડાધડ ગોળીઓ ધરબી

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે એમાં કોઈ સવાલ જ નથી. કારણ કે રોજ કોઈને કોઈ જિલ્લામાંથી દારુ પકડાઈ છે. રાજ્યમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂ રાજ્યમાં દરેક ખુણેથી ઘુસાડવામાં આવે છે. ત્યારે હાલમાં પણ એક કિસ્સો સામે આવ્યો છે કે દાહોદ જિલ્લાના દેવગઢબારિયામાં પોલીસ અને બૂટલેગરો વચ્ચે મોડી રાત્રે સામસામે ઘર્ષણ થયું હતું. પોલીસને બાતમી મળી હતી કે છોટાઉદેપુરનો બૂટલેગર ભીખા રાઠવા વિદેશી દારૂનો જથ્થો લઈને ધાનપુરના પાંચિયાસાળ ગામેથી પસાર થવાનો છે. જેથી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મધરાત્રે જ વોચ ગોઠવી દેવામા આવી હતી.

સ્ટેટ વિજિલનસની ટીમે રાત્રે 12 વાગ્યાના અરસામાં બૂટલેગરના ધમધમતા ઠેકાણા પર રેડ પાડી હતી. જો કે લોકો કાયદો હાથમાં લઈને ફરતા હોય એવી ઘટના થઈ હતી, કારણ કે આ દરમિયાન બૂટલેગરોએ સામે ફાયરિંગ કર્યું હતું, જેના વળતા જવાબમાં પોલીસે પણ સામે ફાયરિંગ કર્યું હતું. પોલીસે રેડ દરમિયાન દારૂની બે મોટાં અને બે નાનાં વાહનો પણ કબજે કર્યા હતા. ઉપરાંત મોટા પ્રમાણમાં દારૂ પણ જપ્ત કર્યો હોવાના સમાચાર વહેતા થયા છે.

એકાદ મહિના પહેલાં પણ રાજકોટમાં બૂટલેગરના પરિવારે પોલીસ સ્ટેશન માથે લીધું હોવાની ઘટના બની હતી. રાજકોટમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ વિજિલન્સની ટીમે ગોકુલધામ વિસ્તારમાં નામચીન બૂટલેગર હાર્દિક ઉર્ફે કવિ હરેશભાઈ સોલંકીના દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો હતો અને ત્યારે બધા ભવાડા થયા હતા. ત્યારે હવે આ ઘટના ફરીથી સામે આવી છે. આ દરમિયાન બૂટલેગર ભીખા રાઠવા ફોર-વ્હીલર લઈને આવતાં પોલીસે તેને રોકવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેણે ગાડી રોકવાને બદલે પોલીસ તરફ ગાડી ભગાવી અને સામે ફાયરિંગ કર્યું હતું.

આ કિસ્સામાં એ પણ માહિતી મળી રહી છે કે બુટલેગરે આડેધડ સાત-આઠ રાઉન્ડ ગોળીબાર કર્યું હતું. ત્યારે પોલીસે પણ તેની સામે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામા કોઈને ઈજા થવાના અહેવાલ હાલ નથી, પરંતુ વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે સૌથી ગંભીર બાબત એ છે કે હુમલો કરીને બૂટલેગર ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. હવે પોલીસ તેને શોધી રહી છે.


Share this Article
Leave a comment