Gujarat News: રમત ગમત ક્ષેત્રે હવે આખું ગુજરાત અને ભારત ખુબ જ પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે ગુજરાત પોલીસ શા માટે પાછળ રહી જાય. હાલમાં જ કમાન્ડો સ્કૂલ ટ્રેનિંગ સેન્ટર, ઓથિવાક્કમ તમિલનાડુ ખાતે 50 વર્ષ પુરા થવાની ઉજવણી નિમિત્તે ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ દ્વારા એક સ્પોર્ટ સ્પર્ધાનું ( સ્પેશિયલ ફોર વુમન ) આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ગુજરાતમાંથી 16 પોલીસ અધિકારીઓ અને સમગ્ર ભારતમાંથી 31 જેટલી ટીમે ભાગ લીધો હતો. આ ભાગ લેનાર ટીમમાં પોલીસ કોપ અને અર્ધસૈનિક દળોની ટીમોનો સમાવેશ થાય છે. જેમાં સ્પેશિયલ બ્રાન્ચ બરોડા સીટી પીએસઆઈ સિયા જે તોમરે 3 મેડલ જીતીને ડંકો વગાડ્યો છે.
શૂટર્સની આ સ્પર્ધામાં આ વખતે ગુજરાત પોલીસના બે-બે રેકોર્ડ નોંધાયા છે. એક તો પહેલી વખત ગુજરાત પોલીસને આ સ્પર્ધામાં 4 મેડલ મળ્યા છે અને એક જ ખેલાડીને 3 મેડલ મળ્યા હોય એવો પણ આ પહેલો જ કિસ્સો છે. પીએસઆઈ સિયા જે તોમરે 2 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.
ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં ગુજરાત રાજ્ય પોલીસ ટીમ માટે પણ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે પીએસઆઈ સિયા જે તોમરે એક જ ખેલાડી તરીકે સ્પર્ધામાં ત્રણ મેડલ જીત્યા છે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં તમામ રાજ્ય પોલીસ અને ભારતના તમામ અર્ધસૈનિક દળોની ટીમોએ ભાગ લીધો હતો.
પીએસઆઈ સિયા જે તોમર 2016થી વડોદરા ખાતે સેવા આપી રહ્યા છે. ત્યારે આ વખતે સ્પર્ધામાં 3 મેડલ લઈ આવતા સમગ્ર ગુજરાત પોલીસ અને પરિવારના લોકો પણ અનેરા ઉત્સાહમાં છે. તેમજ ચારેકોરથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.
આર્મસ યુનિટ ડીઆઈજી વિશાલ વાઘેલા, ગુજરાતના ડીજીપી વિકાસ સહાય, ડો. પી કે રોશન, બરોડા સીટી કમિશનર નરસિંહમાં કોમર વગેરે દિગ્ગજ અધિકારી દ્વારા પણ પીએસઆઈ સિયા તોમરને અભિનંદન આપવામાં આવ્યા હતા.