AjabGajab: ભારતને છોડીને બીજા દેશમાં સ્થાયી થવાનું અને ત્યાંની નાગરિકતા (Citizenship) મેળવવાનું સપનું ઘણા લોકો જોતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં કેટલાક એવા દેશો છે જ્યાં નાગરિક બનવું લગભગ અશક્ય છે? આ દેશોના કડક નિયમો અને દાયકાઓ લાંબી રાહ તો તમને ચોંકાવી દેશે જ, પણ એ સાથે ઘણીવાર રાહ જોયા પછી પણ એ દેશની નાગરિકતા મળતી નથી. જાણો એવા કયા દેશો છે જ્યાંની નાગરિકતા મેળવવા લોખંડના ચણા ચાવવા પડે છે.
વિદેશમાં વસવાટનું સપનું અને તેની વાસ્તવિકતા
ભારતમાંથી દર વર્ષે લાખો લોકો વિદેશમાં સ્થાયી થવા માટે પોતાની નાગરિકતા છોડી દે છે. તાજેતરમાં સરકારના આંકડા મુજબ, આ લિસ્ટમાં અમીર લોકોની સંખ્યા સૌથી વધુ છે. ઘણા લોકોનું સપનું બીજા દેશની નાગરિકતા મેળવવાનું હોય છે. પરંતુ નાગરિકતા મેળવવી એ માત્ર પાસપોર્ટ કે રોકાણની રમત નથી. દુનિયામાં કેટલાક એવા દેશો છે જ્યાં નાગરિક બનવું લગભગ અશક્ય છે. અહીંના નિયમો એટલા કડક છે કે સામાન્ય માણસ માટે તે પાર કરવા મુશ્કેલ છે.

વેટિકન સિટી: જ્યાં નાગરિકતા કાયમી નથી
વેટિકન સિટી નાગરિકતા મેળવવા માટે દુનિયાનો સૌથી મુશ્કેલ દેશ માનવામાં આવે છે. અહીંની નાગરિકતા કાયમી હોતી નથી. તે માત્ર પાદરીઓ, કાર્ડિનલ અથવા હોલી સી (Holy See) માં કામ કરતા અધિકારીઓને જ મળે છે. ખાસ વાત એ છે કે, જેવો તેમનો કાર્યકાળ પૂરો થાય કે તરત જ નાગરિકતા પણ ખતમ થઈ જાય છે. એટલે કે અહીં ‘જન્મથી નાગરિક’ જેવી કોઈ સિસ્ટમ જ નથી.
ઉત્તર કોરિયા: લગભગ અશક્ય છે અહીં વસવું
જો તમે તાનાશાહ કિમ જોંગ ઉનના દેશ ઉત્તર કોરિયામાં વસવા માંગતા હોવ, તો આ સપનું જોવાનું છોડી દેજો. અહીંની નાગરિકતા મેળવવી લગભગ અશક્ય છે. વિદેશીઓ માટે અહીં અરજી કરવાનો કોઈ સરળ વિકલ્પ જ નથી. માત્ર અસાધારણ રાજકીય કે સૈન્ય કારણોસર જ કોઈને નાગરિકતા મળી શકે છે. આ દેશ બહારના લોકો પર એટલી કડક નજર રાખે છે કે તેને દુનિયાની સૌથી બંધ પોલિટિકલ સિસ્ટમ ગણવામાં આવે છે.
કતાર: 25 વર્ષનો ઈન્તજાર અને કડક શરતો
કતારમાં નાગરિકતા મેળવવી એ કોઈ નાની વાત નથી. અહીં નાગરિક બનવા માટે તમારે ઓછામાં ઓછા 25 વર્ષ સુધી સતત ત્યાં રહેવું પડે છે. આટલું લાંબું રોકાણ કર્યા પછી પણ રસ્તો સરળ નથી. અરજદારે અરબી ભાષામાં નિષ્ણાત હોવું જરૂરી છે અને પોતે આર્થિક રીતે સક્ષમ હોવાનું સાબિત કરવું પડે છે.
પરંતુ નવાઈની વાત એ છે કે, આ તમામ શરતો પૂરી કર્યા પછી પણ નાગરિકતા મળશે જ તેની કોઈ ગેરંટી નથી. છેલ્લો નિર્ણય સંપૂર્ણપણે કતાર સરકારના હાથમાં હોય છે. એટલે કે, તમામ નિયમો પાળવા છતાં તમારી અરજી ફગાવી શકાય છે.