Umngot River: ભારતની નદીઓની વાત આવે એટલે ગંદકી, દુર્ગંધ અને પ્રદૂષણની તસવીરો આંખ સામે આવી જાય છે.પણ શું તમે જાણો છો કે આ જ ભારતમાં એક એવી નદી વહે છે, જેના પાણીમાં કાચ જેવી પારદર્શકતા છે? એવી નદી, જેમાં પાણી આરપાર દેખાય. એવી નદી, જેમાં એક-એક પથ્થર સ્પષ્ટ નજરે પડે. આ નદીનું નામ છે ઉમ્નગોટ નદી. જેને આજે દેશની સૌથી સાફ નદી કહેવામાં આવે છે.

ઉમ્નગોટ નદી મેઘાલયમાં, શિલોંગથી લગભગ 95 કિલોમીટર દૂર ડાવકી ગામ પાસે વહે છે.આ નદીનું પાણી એટલું સ્વચ્છ છે કે તેમાં તરતી નૌકા હવામાં લટકતી હોય એવો ભ્રમ થાય.પ્રથમ વખત જોનાર વ્યક્તિ પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતો નથી. પાણીમાં કચરાનો એક કણ પણ દેખાતો નથી.

આ નદીના કિનારે રહેતા લોકો સ્વચ્છતાને જીવનશૈલી તરીકે જીવે છે.નદી માત્ર પ્રવાસન સ્થળ નથી, પણ સ્થાનિકોની સંસ્કૃતિ અને ગૌરવ છે.

નદીના તળિયે ગોળ અને ચમકતા પથ્થરો સ્પષ્ટ દેખાય છે. અહીં મોટી સંખ્યામાં માછલીઓ પણ જોવા મળે છે.
ઉમ્નગોટ નદી ભારત અને બાંગ્લાદેશની સરહદ વચ્ચે વહે છે. અંગ્રેજ શાસન દરમિયાન અહીં એક બ્રિજ પણ બનાવાયો હતો, જે આજે પણ જોવા મળે છે.

સ્થાનિકો કહે છે કે સદીઓથી નદી આવી જ સાફ રહી છે.
પ્રવાસીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે. ઘણા લોકો કહે છે કે જીવનમાં એક વાર તો ઉમ્નગોટ નદી જોવી જ જોઈએ. પ્રકૃતિ જ્યારે પોતાનો શુદ્ધ ચહેરો બતાવે, ત્યારે એવી જ કોઈ ઉમ્નગોટ નદી જન્મે છે.