Crans Montana: સ્વિટ્ઝરલેન્ડનું સ્વર્ગ ગણાતું અને સુંદર પહાડીઓ વચ્ચે વસેલું ક્રાન્સ-મોન્ટાના શહેર અત્યારે માતમમાં ડૂબ્યું છે. જે સુંદર રિસોર્ટ અને ગ્લેશિયર નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓથી ઉભરાતા હતા, ત્યાં અચાનક એવું તે શું થયું કે ડઝનબંધ લોકોના મોત થયા? આખરે આ આલ્પાઇન સ્કી રિસોર્ટમાં સર્જાયેલી આ ભયાનક હોનારત પાછળનું કારણ શું છે.
નવા વર્ષના પ્રથમ દિવસે જ વિશ્વના સૌથી સુંદર સ્થળોમાંના એક એવા સ્વિટ્ઝરલેન્ડમાં ભયાનક ધડાકાએ ફફડાટ ફેલાવી દીધો છે. અહીંના ક્રાન્સ-મોન્ટાનામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન થયેલા એક વિસ્ફોટે ડઝનબંધ લોકોના જીવનનો અંત લાવી દીધો. આ ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન એક સ્વિસ બારમાં બનેલી ઘટનામાં અનેક લોકોના મોત થયા છે, જોકે હજુ સુધી આ ધડાકા પાછળનું સાચું કારણ સામે આવ્યું નથી. આ દુર્ઘટનામાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. પરંતુ શું તમે જાણો છો કે આખરે ક્રાન્સ-મોન્ટાના શું છે? અને તે કેમ આટલું ખાસ છે કે અહીં નવા વર્ષની ઉજવણી માટે આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા? ચાલો જાણીએ..
શું છે આ ક્રાન્સ-મોન્ટાના?
ક્રાન્સ-મોન્ટાના એ સ્વિટ્ઝરલેન્ડના દક્ષિણ-પશ્ચિમમાં આવેલું એક અત્યંત પ્રતિષ્ઠિત ‘આલ્પાઈન સ્કી રિસોર્ટ’ શહેર છે. કુદરતી સૌંદર્યથી લદાયેલી પહાડીઓ, વિશાળ ગ્લેશિયર્સ અને વર્લ્ડ ક્લાસ પર્યટન સુવિધાઓ માટે આ સ્થળ આખી દુનિયામાં પ્રખ્યાત છે. ફ્રેન્ચ ભાષી ‘વાલેસ કેન્ટન’ વિસ્તારમાં સ્થિત આ શહેર વાસ્તવમાં બે જૂના કેન્દ્રો ‘ક્રાન્સ’ અને ‘મોન્ટાના’ના જોડાણથી અસ્તિત્વમાં આવ્યું છે.
અહીં ૧૪૦ કિલોમીટરથી પણ લાંબા સ્કી ટ્રેક અને બરફીલા ગ્લેશિયર્સ પર રમાતી વિન્ટર સ્પોર્ટ્સ દુનિયાભરના પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. માત્ર સ્કીઈંગ જ નહીં, પણ અહીં યોજાતી ગોલ્ફ ટુર્નામેન્ટ્સ, મ્યુઝિક ફેસ્ટિવલ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેને આખું વર્ષ પ્રવાસીઓથી ધમધમતું રાખે છે.

પ્રખ્યાત ‘મેટરહોર્ન’ પર્વત અહીંથી માત્ર 4૦ કિલોમીટર ઉત્તરમાં આવેલો છે, જ્યારે સ્વિસ રાજધાની બર્નથી અહીં પહોંચતા માત્ર બે કલાક લાગે છે. આ સ્થળ ખાસ કરીને બ્રિટિશ પ્રવાસીઓમાં અતિશય લોકપ્રિય છે, જે મોટી સંખ્યામાં અહીં સ્કીઈંગ અને નવા વર્ષની ઉજવણી માટે ઉમટી પડે છે.
સ્પીડ સ્કીઈંગ ઇવેન્ટે બનાવ્યું ખાસ
ક્રાન્સ-મોન્ટાનાની ખરી ઓળખ અહીં યોજાતી સ્કીઈંગ ઇવેન્ટ્સ છે. તેમાં પણ ‘વર્લ્ડ સ્પીડ સ્કીઈંગ ઇવેન્ટ’ પ્રવાસીઓમાં અતિ લોકપ્રિય છે. શિયાળામાં અહીં બરફથી લદાયેલા પહાડોના ઢોળાવ, ગ્લેશિયર સુધી જતા ટ્રેક અને ક્રોસ-કન્ટ્રી સ્કીઈંગ જેવી રોમાંચક સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. જાન્યુઆરીના અંતમાં અહીં પ્રતિષ્ઠિત FIS વર્લ્ડ કપ સ્પીડ સ્કીઈંગ ઇવેન્ટ યોજાવાની છે, જેના કારણે આ વખતે અહીં રેકોર્ડબ્રેક ભીડ ઉમટવાની શક્યતા હતી.
ઉનાળામાં પણ રહે છે આકર્ષણનું કેન્દ્ર
ક્રાન્સ-મોન્ટાનાની ખાસિયત એ છે કે તે માત્ર શિયાળામાં જ નહીં, પણ ઉનાળામાં પણ પ્રવાસીઓને આકર્ષે છે. ઉનાળાના દિવસોમાં અહીંની નવ સરોવરો, આલ્પાઇન જંગલો અને લીલાછમ મેદાનો સ્વર્ગ જેવો અહેસાસ કરાવે છે. અહીં હાઇકિંગ અને વૉકિંગનો અનેરો આનંદ મળે છે. પરંતુ સૌથી વધુ આકર્ષણ ગોલ્ફનું છે. અહીંનું ‘ક્રાન્સ-સુર-સિએરે ગોલ્ફ ક્લબ’ વિશ્વના શ્રેષ્ઠ ગોલ્ફ કોર્સમાં ગણાય છે, જ્યાં દર વર્ષે પ્રખ્યાત ‘ઓમેગા યુરોપિયન માસ્ટર્સ ટુર્નામેન્ટ’ યોજાય છે.
નવા વર્ષની ઉજવણી અને કરુણ અકસ્માત
1st જાન્યુઆરી 2026 ની વહેલી સવારે સ્થાનિક સમય મુજબ અંદાજે 1:3૦ વાગ્યે, ક્રાન્સ-મોન્ટાનાના લોકપ્રિય ‘Le Constellation’ બારમાં અચાનક વિસ્ફોટ થયો અને ત્યારબાદ ભીષણ આગ ફાટી નીકળી. નવા વર્ષને આવકારવા માટે અહીં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘણા લોકોને બચવાની તક જ ન મળી. પ્રાથમિક અહેવાલો મુજબ, લગભગ 4૦ લોકોના મોત થયા છે અને 1૦૦થી વધુ લોકો ઘાયલ છે, જેમાં અનેકની હાલત ગંભીર છે.
દુર્ઘટનાનું કારણ અને તપાસ
તપાસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ આતંકવાદી હુમલો નથી. વિસ્ફોટ અને આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. કેટલાક અહેવાલો સૂચવે છે કે આતિશબાજી અથવા પાયરો ટેકનિકમાં ખામીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે, પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
વૈશ્વિક ઓળખ અને અસર
આ દુર્ઘટનાએ માત્ર સ્વિટ્ઝરલેન્ડ જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ક્રાન્સ-મોન્ટાના તેની હાઈ-પ્રોફાઈલ લાઈફસ્ટાઈલ અને સ્કીઈંગ ટ્રેલ્સ માટે જાણીતું છે. સ્થાનિક વહીવટીતંત્રે બચાવ કામગીરી તેજ કરી છે અને અસરગ્રસ્તો માટે હેલ્પલાઈન શરૂ કરી છે. આ ઘટના યાદ અપાવે છે કે ગમે તેટલા સુંદર પ્રવાસન સ્થળો હોય, ભીડભાડવાળા ઉત્સવોમાં સુરક્ષાના ધોરણોની અવગણના ભારે પડી શકે છે.