મોટા દુ:ખદ સમાચાર, ચીનમાં પ્લેન ક્રેશમાં બધા જ 132 મુસાફરોના મોત, 2 મિનિટમાં 30,000 ફૂટ નીચે જઈને પ્લેન પહાડોમાં અથડાયું

ચીનના ગુઆંગસીમાં સોમવારે બપોરે એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 132 લોકોના મોત થયા હતા. ચાઈના ઈસ્ટર્ન પેસેન્જર એરલાઈન્સનું આ પ્લેન ગુઆંગસીના પહાડોમાં ક્રેશ થયું હતું. વિમાનમાં 123 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બર હતા. જે ટેકરી પર આ પ્લેન ક્રેશ થયું તેની કેટલીક તસવીરો સામે આવી છે. તેમાં જોવા મળે છે કે પ્લેન ક્રેશ થયા બાદ ત્યાંના જંગલમાં આગ લાગી હતી.

ચીનના રાજ્ય મીડિયા ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા અનુસાર, ફ્લાઈટ MU 5735 કુનમિંગ ચાંગશુઈ એરપોર્ટથી બપોરે 1.15 વાગ્યે ઉડાન ભરી હતી. આ ફ્લાઈટ બપોરે 3 વાગ્યે ગુઆંગઝુ પહોંચવાની હતી. અહેવાલો અનુસાર, પ્લેન બે મિનિટથી ઓછા સમયમાં 30,000 ફૂટ નીચે પડી ગયું હતું. 563 કિમી પ્રતિ કલાકની ઝડપે પહાડો સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું.

ટેક-ઓફના 71 મિનિટ બાદ આ પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. લેન્ડિંગની 43 મિનિટ પહેલા પ્લેનનો ATC સાથે સંપર્ક તૂટી ગયો હતો. મુસાફરોને લઈ જતું વિમાન બોઈંગ 737 છે. બોઇંગ સાડા છ વર્ષથી એરલાઇનમાં કાર્યરત હતી. આ અકસ્માત અંગે ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે, તેની વેબસાઈટને અકસ્માતનો ભોગ બનેલા લોકોના માનમાં બ્લેક એન્ડ વ્હાઇટ બનાવવામાં આવી હતી.

આ મોડલના વિમાનો ભૂતકાળમાં ઘણી વખત અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે. જોકે, જે પ્લેન દુર્ઘટનાનો ભોગ બન્યું હતું તે બોઈંગ દ્વારા 2015માં જ ડિલિવરી કરવામાં આવ્યું હતું.

Translate »