મૌલિક દોશી (અમરેલી)
સાવરકુંડલા માનવ મંદિરે મુંબઈના દાનવીર ભામાશા ગાંધી પરિવારે માનવ મંદિરની સેવાથી પ્રભાવિત થઈ અદ્યતન ડાઇનિંગ હોલ નિર્માણમાં 5 લાખનું દાન આપ્યું. તૌકતે વાવાઝોડામાં નાશ પામેલા સાવરકુંડલા માનવ મંદિરના રસોડાનું પુનઃ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મૂળ વિરડીના રહેવાસી અને હાલ મુંબઈ વાલકેશ્વર ખાતે રહેતા ઉદ્યોગપતિ ભામાશા વી.ડી. ઉર્ફે મનુ ગોરધનદાસ ગાંધી અને તેમના ધર્મપત્ની ભારતીએ સાવરકુંડલાના પ્રમોદ સંઘવી સાથે મુલાકાત કરી હતી.
સાવરકુંડલા માનવ મંદિરમાં પૂજ્ય ભક્તિરામબાપુ દ્વારા કરવામાં આવતી નિરાધાર રખડતી ભટકતી મનોરોગી બહેનોની વિનામૂલ્યે સેવા કરી રહ્યા છે. હાલમાં મંદિરમાં વિવિધ પ્રાંતની વિવિધ ભાષાની ૬૦ જેટલી મનોરોગી મહિલાઓ ભક્તિ બાપુની નિશ્રામાં પુનર્જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યાંરે અત્યાર સુધી 97 જેટલી મનોરોગી બહેનો સાજી થઈ ફરીથી સમાજમાં રહેતી થઈ છે. તેમજ તેમાથીપાંચ દીકરીઓના લગ્ન પણ કરાવવામાં આવ્યા છે, તેમજ એક દીકરીના નિકાહ પણ કરવામાં આવ્યા છે.
જેને તેનો પરિવાર પણ સંભાળવા તૈયાર ન હતો ત્યારે તે અનેક દીકરીઓના પાલક પિતા બની અને એક સાધુની સુપેરે ફરજ નિભાવી છે. આ માનવ મંદિર પરિસરમાં દવા દુઆ અને હવાના માધ્યમથી મનોરોગી મહિલાઓ સાજી થાય છે. અમરેલીના પ્રખ્યાત મનોચિકિત્સક ડોક્ટર વિવેક જોષીની નિયમિત સેવા અને એમના માર્ગદર્શન નીચે દવાઓ આપવામાં આવે છે.
આ બધી બાબતોથી ગાંધી પરિવાર પ્રભાવિત થયા અને માનવ મંદિર પરિસરની અંદર જે વાવાઝોડા દરમિયાન રસોડું ધ્વસ્ત થયું હતું તેના પુનઃનિર્માણ માટેનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ ભક્તિ બાપુની આ સેવાને વંદન સાથે રૂપિયા પાંચ લાખનું યોગદાન આપી સમાજના દાનવીરે પોતાની સામાજિક ફરજ પૂર્ણ કર્યાનો સંતોષ માન્યો હતો