Abuz Muhrat: શું તમે વર્ષ 2026માં લગ્ન, ગૃહપ્રવેશ કે નવા વ્યવસાયનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો નોંધી લેજો આ 7 ખાસ દિવસો, જેમાં મુહૂર્ત જોવાની બિલકુલ જરૂર નથી! વર્ષ 2026ના આ એવા ‘અબૂઝ મુહૂર્ત’ છે જ્યાં આખો દિવસ અત્યંત શુભ છે અને આ દિવસે કરેલા દરેક કાર્યમાં મળશે અનેકગણું ફળ. જાણો કયા છે એ નસીબદાર દિવસો..
સનાતન પરંપરામાં કોઈપણ શુભ કે માંગલિક કાર્યની શરૂઆત માટે ‘શુભ મુહૂર્ત’ જોવાની પ્રાચીન પ્રથા છે, જેથી તે કાર્યનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય અને જીવનમાં સુખ, સમૃદ્ધિ તેમજ સફળતાનું આગમન થાય. જોકે, હિન્દુ ધર્મશાસ્ત્રોમાં એવી કેટલીક વિશેષ તિથિઓનું વર્ણન છે જેને ‘અબૂઝ મુહૂર્ત‘ કહેવામાં આવે છે. આ દિવસો એટલા પવિત્ર હોય છે કે કોઈપણ જ્યોતિષીય ગણતરી વગર તમે આખો દિવસ કોઈપણ શુભ કાર્ય કરી શકો છો. ચાલો જાણીએ, વર્ષ 2026 માં આ ખાસ દિવસો ક્યારે આવશે.

વર્ષ 2026 ના સર્વોત્તમ ‘અબૂઝ મુહૂર્ત‘
વસંત પંચમી 2026
નવા વર્ષ 2026 નું પ્રથમ સર્વસિદ્ધ મુહૂર્ત એટલે વસંત પંચમી. વિદ્યાભ્યાસની શરૂઆત સિવાય આ દિવસ સગાઈ, લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન કે નવા વ્યવસાયના શ્રીગણેશ કરવા માટે શ્રેષ્ઠ ગણાય છે. ખાસ કરીને જે લોકોની કુંડળીમાં ગ્રહદોષ હોય અથવા કુંડળી ન હોય, તેઓ કોઈપણ ખચકાટ વગર વસંત પંચમીએ લગ્ન ગ્રંથિથી જોડાઈ શકે છે. માતા સરસ્વતીની ઉપાસનાનો આ પર્વ 23 જાન્યુઆરી 2026 ના રોજ ઉજવવામાં આવશે.
ફુલેરા દૂજ 2026
ફાલ્ગણ સુદ પક્ષની બીજ તિથિએ ‘ફુલેરા દૂજ’નો તહેવાર મનાવવામાં આવે છે. આ પવિત્ર દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. જ્યોતિષની દ્રષ્ટિએ આ તિથિ દરેક પ્રકારના માંગલિક કાર્યો માટે અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. નવા વર્ષમાં ફુલેરા દૂજ 19 ફેબ્રુઆરી 2026 ના રોજ ઉજવાશે.
અક્ષય તૃતીયા (અખાત્રીજ) 2026
હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાને વર્ષના સૌથી શુભ દિવસોમાંનો એક માનવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદી કે કિંમતી વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ ફળદાયી ગણાય છે.
એવી માન્યતા છે કે અખાત્રીજના દિવસે કરવામાં આવેલા શુભ કાર્યોનું ક્યારેય ક્ષય થતું નથી, એટલે કે તેનું ‘અક્ષય’ (ક્યારેય ન ખૂટે તેવું) ફળ મળે છે. વૈશાખ સુદ ત્રીજની આ પવિત્ર તિથિ વર્ષ 2026 માં 19 એપ્રિલ ના રોજ આવશે.
સીતા નવમી 2026
વૈશાખ સુદ નોમની તિથિએ માતા સીતા પ્રગટ થયા હતા, તેથી આ દિવસને ‘સીતા નવમી’ કે ‘જાનકી નવમી’ તરીકે ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામ અને માતા સીતાની આરાધના કરવામાં આવે છે. સુખ, સમૃદ્ધિ અને પતિના દીર્ઘાયુ માટે આ દિવસે વ્રત કરવાનું વિશેષ મહત્વ છે. આ મુહૂર્તમાં શરૂ કરેલા કાર્યોમાં અચૂક સફળતા મળે છે. વર્ષ 2026માં સીતા નવમી 25 એપ્રિલના રોજ ઉજવાશે.
ગંગા દશેરા 2026
દર વર્ષે જેઠ સુદ દશમના દિવસે ગંગા દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. આ દિવસ ગંગા સ્નાન અને પૂજન માટે તો પવિત્ર છે જ, પરંતુ સાથે સાથે કોઈ પણ નવું કે શુભ કાર્ય કરવા માટે પણ સર્વોત્તમ માનવામાં આવે છે. વર્ષ 2026માં ગંગા દશેરાનો મંગલમય અવસર 25 મેના રોજ આવશે.
ભડલી નોમ 2026
અખાત્રીજની જેમ જ ‘ભડલી નોમ’ને લગ્ન-વિવાહ માટે શ્રેષ્ઠ અને અબૂઝ મુહૂર્ત માનવામાં આવે છે. જે લોકોના લગ્ન માટે મુહૂર્ત નીકળતા ન હોય અથવા કુંડળીમાં દોષ હોય, તેઓ કોઈ પણ ચિંતા વગર આ દિવસે લગ્ન કરી શકે છે. નવા વર્ષમાં ભડલી નોમ 22 જુલાઈ 2026ના રોજ ઉજવવામાં આવશે.
દેવઉઠી એકાદશી 2026
દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગનિદ્રામાંથી જાગે છે. કાર્તિક માસની સુદ પક્ષની એકાદશીએ ચાતુર્માસ પૂર્ણ થાય છે અને આ દિવસથી જ તમામ રોકાયેલા શુભ અને માંગલિક કાર્યો ફરીથી શરૂ થાય છે. આ તિથિ સ્વયંસિદ્ધ મુહૂર્ત હોવાથી કોઈપણ વિશેષ મુહૂર્ત જોયા વગર શુભ કાર્યો કરી શકાય છે. વર્ષ 2026માં દેવઉઠી એકાદશી 20 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.