Gold-Silver Rate: સોના-ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોમવારે ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો આવતા જ રોકાણકારો સોનું-ચાંદી ખરીદવા માટે તૂટી પડ્યા હતા, જેના કારણે કિંમતો ફરી ઉછળી હતી.
ભાવમાં ભારે વોલેટાલિટી
સોમવારે MCX પર ચાંદી ખુલતાની સાથે જ 4% ગગડીને 2,35,208 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી. જોકે, નીચા ભાવ જોઈને ખરીદદારો ઉમટી પડતા સાંજ સુધીમાં ભાવ વધીને 2,40,441 રૂપિયા થઈ ગયો હતો. આવી જ રીતે સોનું પણ તેના ઓલ ટાઈમ હાઈ લેવલથી અંદાજે 40 હજાર રૂપિયા સસ્તું થઈને 1,54,125 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. જણાવી દઈએ કે જાન્યુઆરીમાં ચાંદી 4.20 લાખ અને સોનું 1.93 લાખની સપાટી વટાવી ચૂક્યા હતા.

એક વર્ષમાં બમ્પર રિટર્ન
સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓને છેલ્લા એક વર્ષમાં જબરદસ્ત ફાયદો થયો છે. ફેબ્રુઆરી 2025 માં સોનું 85,000 રૂપિયા હતું, જેણે એક વર્ષમાં 80% રિટર્ન આપ્યું છે. બીજી તરફ, ચાંદીએ તો કમાલ કરી દીધી છે. એક વર્ષ પહેલા ચાંદી 1 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે અઢી ગણું રિટર્ન આપી ચૂકી છે. આ જ કારણ છે કે હવે લોકો તેને માત્ર પરંપરાગત ઘરેણાં નહીં પણ એક મજબૂત પોર્ટફોલિયો એસેટ માની રહ્યા છે.
યુવા રોકાણકારોની પ્રથમ પસંદગી

એક તાજેતરના સર્વે મુજબ, ‘જનરેશન Z’ અને મિલેનિયલ્સ (યુવાનો) માં સોના પ્રત્યે ક્રેઝ વધ્યો છે. 5000 લોકો પર કરાયેલા સર્વેમાં 62% યુવાનોએ કહ્યું કે જો તેમને 25,000 રૂપિયાનું રોકાણ કરવું હોય, તો તેઓ મ્યુચ્યુઅલ ફંડ કે શેરબજારને બદલે સોનું પસંદ કરશે. ખાસ વાત એ છે કે, 66.7% યુવાનો હવે પરિવારના દબાણમાં નહીં પણ પોતાના નિર્ણયથી સોનામાં રોકાણ કરી રહ્યા છે. સુરક્ષા અને ભરોસાના મામલે સોનું આજે પણ રોકાણનો ટોપ વિકલ્પ છે.