આ શિયાળે ઉંધીયના ભાવ ખિસ્સા ફાડશે, શાકભાજી-તેલ બન્નેના ભાવ વધ્યા

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

શિયાળામાં લીલી શાકભાજીનો શંભુમેળો એટલે ગુજરાતીઓનું પ્રિય ઉંધીયું. પણ આ શિયાળે ઉંધીયું ખાવું દરેકને પોસાય એમ નથી. કારણ કે માવઠાના મારને કારણે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. મેથીનું પુરીયું જે 5 કે 10માં મળતું હતું એના ભાવ વધીને 20 રૂપિયા થઈ ગયા છે. જ્યારે ટમેટાના ભાવ રૂપિયા 60 સુધી પહોંચી ગયા છે.

શાકભાજીની વધી રહેલી માંગને કારણે કોઈ પણ શાકના ભાવમાં ઘટાડો થાય એવી શક્યતા હાલ તો દેખાતી નથી. કેટલાક ખેતરમાં જીવાતનો ઉપદ્રવ વધી જવાને કારણે શાકને સીધી અસર થાય છે. ઓવરઓલ શાકભાજીની વાત કરવામાં આવે તો શાકભાજીના ભાવમાં ત્રીસ ટકાનો ભાવ વધારો થયો છે. માર્કેટિગ યાર્ડ સાથે જોડાયેલા સુત્રો કહે છે કે, કમોસમી વરસાદને કારણે શાકભાજીને મોટું નુકસાન થયું છે. સૌથી વધારે રીંગણા, મરચા, ટમેટા, મેથી અને ડુંગળીના પાકને માઠી અસર થઈ છે.

જથ્થાબંધ ટમેટાના ભાવની વાત કરીએ તો 650થી 900 સુધી પહોંચી ગયો છે. હોલસેલની તુલનામાં 50 રૂપિયાનો ભાવ વધારો થયો હતો. વરસાદને કારણે ગુણવત્તાને પણ માઠી અસર પહોંચી હતી. માત્ર શાકભાજી જ નહીં સિંગતેલના ભાવમાં પણ વધારો થયો છે. મગફળીનો પાક અગાઉથી તૈયાર થઈ ચૂક્યો હોવા છતાં પણ સિંગતેલના ભાવમાં વધારો થયો છે. 2635થી 2685 રૂપિયા ડબ્બાના ભાવ જોવા મળ્યા હતા. કપાસિયા તેલના ભાવમાં એક સ્થિરતા જોવા મળી છે.

દક્ષિણ ગુજરાતમાં વધુ પડતો વરસાદ થવાને કારણે પાપડી, વટાણા, ભીંડાના પાકને સીધું નુકસાન થયું છે. બીજી તરફ તુવેર, ગુવાર, ટમેટા, મગફળી, દૂધના વેલાઓમાં મોટું નુકસાન થયું છે. જેની સીધી અસર શાકમાર્કેટ પર જોવા મળી રહી છે. નાના છોડ અને વેલાઓ કોહવાઈ જવાને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. જોકે, આવનારા દિવસોમાં સ્થિતિ થાળે પડશે તો પણ ભાવમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય એવું દેખાતું નથી


Share this Article