Cricket News: ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગી શકે તેમ છે. ટીમનો મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર શ્રેણીની બાકીની ત્રણ ટેસ્ટમાંથી બહાર થઈ શકે એમ છે. ઐયરની પીઠમાં જકડાઈ ગઈ છે અને જંઘામૂળમાં દુખાવો થઈ રહ્યો છે. તેણે આ અંગે ટીમ મેનેજમેન્ટને ફરિયાદ કરી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. 5 મેચની ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, શ્રેયસ અય્યરે 30 થી વધુ બોલ રમ્યા બાદ જંઘામૂળમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેને ફોરવર્ડ ડિફેન્સ રમવામાં તકલીફ પડી રહી હતી. શ્રેણીની બાકીની ટેસ્ટ મેચોમાં શ્રેયસના રમવા અંગે શંકા છે.
વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ (IND vs ENG) બાદ તમામ ખેલાડીઓની કીટ રાજકોટ મોકલી દેવામાં આવી છે જ્યારે શ્રેયસની કીટ મુંબઈમાં તેના ઘરે મોકલી દેવામાં આવી છે. અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ કોઈપણ સમયે બાકીની ત્રણ ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રેયસ અય્યરને તપાસ માટે બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં મોકલવામાં આવશે. હવે આ બેટ્સમેન IPL સુધી રિકવર થવાની આશા રાખી શકાય છે. IPL આવતા મહિને એટલે કે માર્ચના અંતમાં શરૂ થશે. ગયા વર્ષે શ્રેયસ અય્યરને સર્જરી કરાવવી પડી હતી. આ પહેલા કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે ભારતીય ટીમની બહાર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘શ્રેયસ અય્યરે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને મેડિકલ સ્ટાફને તેની પીઠમાં અકડાઈ અને તેના જંઘામૂળમાં દુખાવો વિશે જાણકારી આપી છે. સર્જરી બાદ તેણે પહેલીવાર આવી ફરિયાદ કરી છે. આવી સ્થિતિમાં તેમને થોડા અઠવાડિયા માટે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તે NCAમાં જશે.’ વિરાટ કોહલી બાકીની ટેસ્ટમાં પણ રમશે તે શંકાસ્પદ છે. કોહલીએ પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી આરામની માંગણી કરી હતી.