Cricket News: IPL (IPL-2024)ની આગામી સિઝન પહેલા ક્રિકેટ ચાહકોને મોટો ફેરફાર જોવા મળી શકે છે. ભારતના T-20 કેપ્ટન હાર્દિક પંડ્યા આ વર્ષની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સને ‘ટ્રેડિંગ’માં છોડી શકે છે. હાર્દિક કઈ ટીમમાં જોડાશે તે અંગેનો અહેવાલ સામે આવ્યો છે.
26મી નવેમ્બર સુધી રાહ જોવી પડશે
30 વર્ષીય હાર્દિક ગુજરાત ટાઇટન્સ છોડીને ફરી મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ શકે છે. મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટે આ ઘટનાક્રમ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ એવી અટકળો છે કે હાર્દિક ફરીથી ટીમમાં જોડાઈ શકે છે. આવી સ્થિતિમાં આપણે 26 નવેમ્બર સુધી રાહ જોવી પડશે, જ્યારે IPLની ‘ટ્રેડિંગ વિન્ડો’ બંધ થશે. હાર્દિક આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી 7 સિઝન રમ્યો છે. તેને 2022ની સીઝન પહેલા ‘રિલીઝ’ કરવામાં આવ્યો હતો.
હાર્દિકે ગુજરાતની કપ્તાની સંભાળી
ગુજરાત ટાઇટન્સમાં જોડાયા પછી હાર્દિક પંડ્યા આ નવી IPL ટીમને સતત બે વખત T20 લીગની ફાઇનલમાં લઈ ગયો. જેમાં ગુજરાતની ટીમે પણ તેની ડેબ્યૂ સિઝનમાં ટાઇટલ જીત્યું હતું. ગુજરાત ટાઇટન્સના વિકાસ પર નજર રાખતા આઇપીએલના એક સૂત્રએ કહ્યું, ‘હા, હું પુષ્ટિ કરી શકું છું કે હાર્દિકને મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડવા માટે ચર્ચા ચાલી રહી છે. એવી શક્યતા છે કે તે ટીમમાં ફેરફાર કરી શકે છે પરંતુ અત્યારે વધુ કંઈ કહી શકાય તેમ નથી. હાર્દિકે હજુ સુધી કરાર પર સહી કરી નથી.
ટ્રેડિંગ દરમિયાન ફ્રેન્ચાઇઝી ટીમો વચ્ચે ખેલાડીઓની આપ-લે થાય છે અને જો હાર્દિક મુંબઈમાં જોડાય છે તો તેના સ્થાને ગુજરાતની ટીમમાં કયો ખેલાડી જોડાશે તે હજુ સ્પષ્ટ નથી. મુંબઈએ હજી સુધી પુષ્ટિ કરી નથી કે તેણે જોફ્રા આર્ચરને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે કે નહીં.
મુંબઈએ ઈંગ્લેન્ડના આ ઝડપી બોલરને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ ઈજાના કારણે તે છેલ્લી બે સિઝનમાં મોટાભાગની મેચો રમી શક્યો નહોતો. જો ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક મુંબઈ સાથે જોડાય છે તો સૌથી મોટો સવાલ એ થશે કે શું તે રોહિત શર્માના નેતૃત્વમાં રમશે, જેની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સ 5 ટાઈટલ જીતી ચૂક્યું છે.