Politics News: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની પનૌતી મોદી ટિપ્પણી પર ચૂંટણી પંચ તરફથી આંચકો લાગ્યો છે. કમિશને તેમને કારણ બતાવો નોટિસ મોકલી છે અને શનિવારે સાંજે 6:00 વાગ્યા સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.
બુધવારે ભાજપે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી અને કાર્યવાહીની માંગ કરી હતી. પક્ષના મહાસચિવ રાધા મોહન દાસ અગ્રવાલ અને અન્ય અધિકારી ઓમ પાઠક સહિત પ્રતિનિધિમંડળમાં સામેલ અન્ય નેતાઓએ રાહુલ ગાંધીના નિવેદનને અપમાનજનક ગણાવ્યું હતું.
બન્યું હતું એવું કે વર્લ્ડ કપ ક્રિકેટની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ક્રિકેટ ટીમની હાર બાદ રાહુલ ગાંધીએ પીએમ મોદી વિરુદ્ધ પનૌતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. ભારતે 50 ઓવરમાં 240 રન બનાવ્યા હતા, પરંતુ ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 241 રન બનાવીને છ વિકેટે મેચ જીતી લીધી હતી.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
મંગળવારે (21 નવેમ્બર) રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘પીએમ એટલે પનૌતી મોદી. મોદી ટીવી પર આવીને હિન્દુ-મુસ્લિમ કહે છે અને ક્યારેક ક્રિકેટ મેચ જોવા જાય છે. તેઓ હાર્યા એ અલગ વાત છે.” આ કારણે ભાજપ આક્રમક બનીને તેમની પાસેથી સતત માફીની માંગ કરી રહ્યું છે.