ભાવિન જસાણી: 2022નું વર્ષએ ભારતમાં ચુનાવની દ્રષ્ટિએ મહત્વના વર્ષ તરીકે ઉભરી આવવાની શક્યતા છે કેમ કે 2022માં પાંચ રાજ્યોના ચુનાવ છે અને બે રાજ્ય એવા છે જે પાર્ટીઓ માટે ખુબ જ મહત્વના સાબિત થવાના છે.બીજેપી માટે યુપી અને કોંગ્રેસ માટે પંજાબ આ બે રાજ્યો આ બન્ને પાર્ટી માટે કરો કે મરોની સ્થિતિ જેવા છે. 2022માં ઉતરપ્રદેશ,પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ચૂંટણીઓ યોજાવાની છે. એક સર્વે પ્રમાણે ઉતરપ્રદેશમાં ભાજપને 40%, સપા ને 34%, બસપાને 13% કોંગ્રેસને 7% અને અન્યને 6% મતો મળી શકે છે.
સીટોની ગણતરી પ્રમાણે જોવા જઈએ તો બીજેપીને 212 થી 224, સપાને 151 થી 161, બસપાને 12 થી 24, કોંગ્રેસને 2 થી 10 અને અન્યને 2 થી 6 સીટો મળી શકે છે. 2017માં બીજેપીને 312, સપા ને 47 , બસપાને 19 અને કોંગ્રેસને સાત સીટો મળી હતી. આના પરથી અંદાજ આવે કે ભાજપની એન્ટી ઈન્ક્મબંસી યુપીમાં ઉતરોતર વધી રહી છે સપા જે 2017માં 47 સીટો પર સ્સીમિત રહી ગઈ હતી એને 2022માં લગભગ ત્રણ ગણાથી પણ વધારે સીટો મળવાની સંભાવના છે.
આટલા જંગી વધારાના ઘણાબધા કારણો છે જેમાં કોરોના મિસ મેંજમેન્ટ, બેરોજગારી, ગામડાઓમાં પશુઓનો ત્રાસ, મોંઘવારી, શેરડીના ભાવો અને તેનું ભૂગતાન વગેરે વગેરે. સ્વભાવિક છે કે 2017એ ઉત્તરપ્રદેશમાં ભાજપ માટે પીક પોઇન્ટ પર હતું. 2017 જેટલી સીટો તો ભાજપને 2022માં મળવાની સંભાવના નહિવત છે. પરંતુ સર્વે પ્રમાણે ઉતરપ્રદેશમાં ભાજપને 212 થી 224 સીટ મળવાની સંભાવના એટલે 90 થી 100 સીટનો ગેપ એ ભાજપ માટે 2024માં વિચારવા જેવી બાબત છે કેમ કે આ 90 થી 100 સીટોની ગણતરીનો સીધો પ્રભાવ 2024ના લોકસભાના ચુનાવમાં થશે જ.
જેમ તાજના પતાના કિલ્લામાં નીચેનું પતુ ખેંચવામાં આવે અને આખો કિલ્લો પડી જાય એવી સ્થિતિ ઉતરપ્રદેશની છે. વાત કરીયે ઉતરાખંડની તો એક સર્વે પ્રમાણે ભાજપને 40%, કોંગ્રેસને 36% આપને 13% અને અન્યને 11% મત મળી શકે છે. 2017માં ભાજપને 46.5% મતો મળ્યા હતા જે હાલના આંકડાઓ કરતા 6.5% વધારે હતા, કોંગ્રેસને 33.5% મત મળ્યા હતા જે અત્યારના આંકડાઓ કરતા 2.5% ઓછા હતા અને જે આપ 2017માં ત્યાં હતું જ નહિ તેની ટકાવારી 0 થી વધી અને 13% થઈ એ નોંધ પાત્ર છે.
સીટ પ્રમાણે જોવા જઈએ તો ભાજપને 33 થી 39, કોંગ્રેસને 29-35 આપને 1થી 3, અન્યને 0 થી 1 જેટલી સીટો મળી શકે છે. 2017માં ભાજપને 57,કોંગ્રેસને 11 અને અન્યને 2 સીટો મળી હતી. આ સર્વે પ્રમાણે ઉત્તરાખંડમાં કોંગ્રેસને 2017 કરતા 2022માં આશરે અઢી ગણી વધારે સીટ મેળવે એવી સંભાવના છે. ઉત્તરાખંડમાં મોટાભાગે ચહેરા તરીકે પ્રધાનમંત્રીનો ચહેરો જ છે. ગયા જ વર્ષે ઉત્તરાખંડમાં ત્રણ મુખ્ય મંત્રીઓ બદલાવવામાં આવ્યા. હાલના ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુસ્કર સિંઘ ધામી છે.
પંજાબની વાત કરીયે તો પંજાબમાં કુલ 117 સીટ છે.જેમાં એક સર્વે પ્રમાણે કોંગ્રેસને 34%, આપને 38% અકાલી દળને 20% બીજેપીને 3% અને અન્યને 5% મત મળી શકે છે. 2017માં કોંગ્રેસને 38.5% મત મળ્યા હતા, અકાલી દળને 25.2% મત, આપને 23.7% અને બીજેપીને 5.4% મતો મળ્યા હતા. સીટોને સર્વે પ્રમાણે જોઈએ તો કોંગ્રેસને 39 થી 45 સીટ આવી શકે, આપને 50 થી 56 સીટ મળી શકે, અકાલી દળને 17 થી 23 સીટ મળી શકે,
બીજેપીને 0 થી 3 સીટ મળી શકે અને અન્યને 0 થી 1 સીટ મળી શકે. 2017માં કોંગ્રેસને 77, આપને 20, અકાલીદળને 15, બીજેપીને 3 અને અન્યને 2 સીટ મળી હતી.આમ જોવા જઈએ તો કોંગ્રેસની પરિસ્થિતિ પંજાબમાં સારી નથી. કેપ્ટ્ન સામે એન્ટી ઈન્ક્મબંસી ઘણીબધી હતી જેના પરિણામે ચન્ની સાહેબને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. એ સમયે આને કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવતો પરંતુ જ્યારથી કિસાનનો આ રાજનીતિમાં પ્રવેશ થયો છે ત્યારથી સમીકરણો ઘણા બધા બદલી ગયા છે.
સર્વે પ્રમાણે આપની સ્થિતિ આમ પણ પંજાબમાં મજબૂત દેખાય છે અને જો આપ અને કિસાનની પાર્ટીનું ગઠબંધન થાય તો કોંગ્રેસને પંજાબથી હાથ ધોવા પડે એ નિશ્ચિત બાબત છે. જો કોંગ્રેસની હાર થઈ પંજાબમાં તો એની સંપૂર્ણ જવાબદારી કોંગ્રેસ આલાકમાનની રહેશે કેમ કે તેમણે સિદ્ધુને કેપ્ટન સાથ ભીડાવી અને પાર્ટીમાં જૂથબાજીની શરૂઆત કરી હતી જે લાંબા સમયે કોંગ્રેસને જ નુકશાનકારક સાબિત થઈ.
વાત કરીયે ગોવાની તો ગોવામાં બીજેપીને 30% મત અને 17 થી 21 સીટ મળવાની સંભાવના છે, કોંગ્રેસને 20% મત અને 4 થી 8 સીટ, આપને 24% મત અને 5-9 સીટ મળવાની સંભાવના છે અને અન્યને 26% મત અને 6-10 સીટ મળવાની સંભાવના છે. 2017માં ગોવામાં 17 કોંગ્રેસને, 13 ભાજપને અને 10 અન્યને મળી હતી. મણિપુરમાં બીજેપીને 38% મત અને 29 થી 33 સીટ મળવાની સંભાવના છે,
કોંગ્રેસને 34% મત અને 23 થી 27 સીટ, એનપીએફને 9% મત અને 2 થી 6 સીટ મળવાની સંભાવના છે અને અન્યને 19% મત અને 0 થી 2 સીટ મળવાની સંભાવના છે. 2017માં મણિપુરમાં 28 કોંગ્રેસને, 21 ભાજપને ટીએમસીને 1 અને 10 અન્યને મળી હતી. ઉત્તરાખંડને બાદ કરીયે તો આ પાંચ રાજ્યોમાં ક્યાય પણ કોંગ્રેસની સ્થિતિ સારી નથી દેખાય રહી.
કોંગ્રેસ ધીમે ધીમે એક એક રાજ્યમાંથી પોતાની પકડ ઢીલી કરતી જાય છે જેના પરિણામે પાર્લામેન્ટમાં એક મજબૂત વિપક્ષની ખોટ વર્તાય છે.લોકશાહી માટે એક મહત્વની બાબત હોય છે એક મજબૂત વિપક્ષ. મમતા બેનર્જીએ પણ વિપક્ષને એક જૂથ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એમાં એ કેટલા સફળ રહ્યા એ આવનાર ભવિષ્ય જ બતાવી શકશે.