નામ :-નીતા જાટકિયા
ગામ :-સુરત
શીલા, બેગ પેક થઈ ગઈ કે નહીં. મારી જરૂરી વસ્તુ અને કાગળિયા મુકવાનું ભુલતી નહીં. તું એમ પણ હમણાં ભૂલકણી થઈ ગઈ છે.. કોઈ કામમાં ભલી વાર હોતો જ નથી.”શૈલેષ બબડ્યો..
આ સાંભળી શીલાને બહુ દુઃખ થયું કે આટલાં વરસથી શૈલેષ બિઝનેસ ટુર પર જાય, બધીજ વખતે હું બરાબર પેક કરું જ છું, એ ન દેખાણું અને ગયા મહિને એક રૂમાલ મુકવાનું ભુલાય ગયું તો કેટલી વખત સંભળાવ્યું... મારી હવે કોઈને કંઈ કિંમત જ નથી..
થોડા દિવસ પછી વિકએન્ડમાં રજા આવતી હતી.. તો શીલા એ કીધું " ચાલોને ક્યાંક ફરી આવ્યે.. ઘણાં સમયથી ક્યાંય ગયાં જ નથી.. મિત અને પુજા, આપણાં બાળકો પણ કે'તા હતાં કે બહાર ફરવા જવું છે."
ત્યાં શૈલેષ તાડુકીને બોલ્યો બાળકોનું નામ આપીને તારે ફરવા જવું છે, એમ કહેને… મારી પાસે બિલકુલ ટાઈમ નથી”.
શીલા ઝંખવાણી પડી ગઈ.. આંખના આંસુ છુપાવતાં બોલી “ભલે ફરવા ન જવું હોય તો કંઈ નહીં.. કાલે મારી મોટી દીદીના નવાં ઘરે પુજન છે અને પછી જમવાનું છે.. તો ત્યાં જઈ આવશું.. થોડું આઉટિંગ થઈ જશે “.
શૈલેશે મોઢું બગાડતાં કહ્યું ” તારે પહેલાં કહેવું જોઈએ ને.. મેં મારાં ફ્રેન્ડ સાથે મારો પ્રોગ્રામ બનાવી લીધો છે. હું નહીં આવું.. તું બાળકોને લઈને જતી રેજે… “
શીલા, મિતની રૂમમાં આવીને બોલી “બેટા કાલે માસીને ત્યાં પુજન છે. તારાં પપ્પા બીઝી છે. એમને કીધું છે કે મિતને લઈ જજે.” ત્યાં તો મિત તાડુકીને બોલ્યો” મારી કાલે મેચ છે. હું પણ નહીંજ આવી શકું. તું દીદીને લઈને જા. “
શીલા વ્યથિત હૃદયે પુજા, એની દીકરી પાસે આવી.. અને બધીજ વાત કરી. ત્યાં પુજા ગુસ્સામાં બોલી " આવાં ફાલતું કામ માટે મારી પાસે સમય નથી. મારે શોપિંગ કરવા મારી ફ્રેન્ડ સાથે જવું છે. મોમ, હું તારાં માટે કેબ બોલાવી દઉં છું.. તું તારી રીતે જા. "
શીલાને ખુબ દુઃખ થયું કે મારાં માટે કોઈની પાસે સમય નથી.. અને મારી કોઈને જરૂર નથી એમ દુઃખીત મને તે તેની દીદીનાં ઘરે આવી.. પ્રસંગ સરસ ચાલતો હતો પણ શીલાનું મન ક્યાંય લાગતું ન'તું. એ વિચારોમાં સુનમુન બેઠી હતી.. એની દીદી આ બધું જોતી હતી. પ્રસંગ પત્યાં પછી શીલાને પુછતાં એણે રડતાં રડતાં બધીજ વાત કરી.. દીદી બધું સમજી ગઈ.
એણે શીલાને કીધું કે આ ઉંમરે બાળકો મોટા થઈ ગયાં હોય એટલે એમને આપણી જરૂરત હવે હોતી નથી. પતિ પણ ધંધા અને મિત્રોમાં રહે એટલે એને પણ આપણી જરૂર ઓછી થઈ જાય.. પણ આવાં સમયે નબળા નહીં પડવાનું અને આપણું મુલ્ય આપણે એ લોકોને દેખાડવાનું... બધીજ વાત કરી શીલા હસતાં મુખે ઘરે આવી.. ફ્રેશ થઈને સુવા જતી રહીં.
લગભગ 5 દિવસ પછી સવારે નાસ્તાનાં ટેબલ પર બધાંની હાજરીમાં શીલાએ કીધું ” હું મારી દીદી અને સખીઓ સાથે સિમલા ફરવા 4 દિવસ માટે જાઉં છું.. રસોઈવાળી બહેનની વ્યવસ્થા થઈ ગઈ છે, એટલે કોઈને કંઈ પ્રોબ્લેમ નહીં આવે. બધાં આ સાંભળીને અચંબામાં પડી ગયાં.. શૈલેષ બોલ્યો ” હું આવું છું તારી સાથે.. આમ એકલી ન જા..”બાળકો પણ બોલ્યાં ” મોમ અમે આવશું તારી સાથે. ” પણ શીલાએ કટાક્ષમાં કહ્યું ” ના.. ના આવા ફાલતું કામ માટે તમારી પાસે સમય ન હોઈ.. એટલે હું એકલી જ જાઉં છું”.
મિત બોલ્યો " મોમ, હું કેબ બોલાવી દઉં? " અરે ના બેટા, કેબ તો મેં બોલાવી જ લીધી છે.. હું જાઉં છું. " એમ કહી શીલા નીકળી ગઈ.
એનાં ગયાં ના બીજે દિવસે બાપ દીકરાઓને આંખે તારા દેખાઈ ગયાં, શીલાની ગેરહાજરીમાં એ લોકોને શીલાનું મુલ્ય સમજાણું...
ફરીને ઘરે આવ્યાં બાદ, શૈલેષ બોલ્યો " મારી ભુલ મને સમજાઈ ગઈ, મારે તને સમય આપવો જોઈએ એ હું ન આપી શક્યો.. તારી ગેરહાજરીમાં મને આ સમજાઈ ગયું. મહેરબાની કરીને હવે અમને એકલી મુકીને ક્યાંય જતી નહીં.. "એમ બોલતાં જ શૈલેષ રડી પડ્યો. બાળકો પણ રડતાં રડતાં બોલ્યાં " હા, મમ્મી અમને મુકી ને ક્યાંય જતી નહીં.. અમારા માટે તું જરૂરી છે "
આમ, થોડી સમજદારી વાપરીને શીલાએ, પોતાનું મૂલ્યાંકન કરાવ્યું અને પોતાની હાજરી ખરેખર જરૂરી છે.. એનો એને પણ અહેસાસ થયો.
નામ :-નીતા જાટકિયા
ગામ :-સુરત