“વહુ બેટા, નીલામાસીની તબિયત સારી ન હોવાથી એમને ઇસ્પિતાલમાં દાખલ કર્યા છે, એમના ખબર કાઢી આવીએ.”
“મમ્મી, આજે હું તમને સ્પષ્ટ જ જણાવી દઉં છું. તમારી દયા, માયા, કરુણા, પરોપકાર બહુ થઇ ગયાં. મને પરણીને આવ્યે છ મહીનાં થયાં ત્યારથી રોજ તમારું કાંઇને કાંઇ ચાલુ જ હોય છે. સંબંધી ગુજરી ગયા, બેસવા જઇએ. પાડોશી બિમાર છે, ખબર કાઢી આવીએ. અરે, કુતરું મરી જાય તો પણ તમારી સંવેદનાઓ સળવળી ઉઠે. વળી વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, મહિલાશ્રમ તો ખરાં જ. હવે હું તમારી સાથે ક્યાંય નહીં આવી શકુંં.”
“કેમ વહુ બેટા શું થયું?”
“મમ્મી, હવે મારે પી. એચ. ડી.નો અભ્યાસ કરવાનો છે. તેથી મને તમારાં આવા બધાં વેવલાવેડાં માટે સમય જ નહીં મળે.”
“વાહ! વહુ બેટા, ખૂબ સરસ. ઘણું ભણો. પી. એચ. ડી.નો વિષય શું છે?”
“આજનાં સમય સાથે બુદ્ધનાં વિચારોનો સમન્વય,” સાંભળીને સાસુ રમાબેન વિચારમાં પડી ગયાં.
✍️ ગીતા ઠક્કર ‘ગીત’