બાદબાકી થાય દિવસોની
જીંદગીમાંથી
સરવાળા નથી હોતા.
દાખલા ગણો ભલે સઘળા
મળતાં અહીં
તાળા નથી હોતા.
અંધારા રહે કદી કદી
કે દર પૂનમે
અજવાળા નથી હોતા.
કોયલ છેતરાતી રહે
એમજ કે કાગડાના
કદી માળા નથી હોતા.
સુખદુઃખ આવે ગમે ત્યારે
એના માપસર કોઈ
ગાળા નથી હોતા.
વહી જાય સમયની સાથે
જીવનવહેણને
કોઈ પાળા નથી હોતા.
કમાવું પડે છે જાતે
પૂણ્યના ખાતામાં
કોઈ ફાળા નથી હોતા.
સારા ખોટાનો મેળો
અહીં સૌ ચહેરા
રૂપાળા નથી હોતા.
ધોમધખે ત્રાહીમામ્ અહીં
હર મોસમ
શિયાળા નથી હોતા.
ચાલતા રહેવું ‘નિજ’ ને
છતાં રસ્તાઓ બધા
સુંવાળા નથી હોતા.
નીના દેસાઇ..'નિજ