Arijit Singh New Song 2026: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને સિંગિંગ લેજન્ડ અરિજીત સિંહની તાજેતરની મુલાકાતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. અરિજીતે નિવૃત્તિની જાહેરાત કર્યાના ગણતરીના દિવસોમાં જ આમિર માટે ગીત ગાઈને ચાહકોને મોટી સરપ્રાઈઝ આપી છે. આ જોડી હવે ફિલ્મ ‘એક દિન’માં સાથે જોવા મળશે.

નિવૃત્તિ પછી પણ આમિર માટે ગાયું ગીત
જાન્યુઆરી 2026માં જ્યારે અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી ત્યારે આખું બોલિવૂડ સ્તબ્ધ થઈ ગયું હતું. જોકે, હવે જાણવા મળ્યું છે કે અરિજીતે આમિર ખાનની આગામી ફિલ્મ ‘એક દિન’ માટે અવાજ આપ્યો છે. આમિર ખાન પોતે પશ્ચિમ બંગાળમાં અરિજીતના વતન જિયાગંજ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ચાર દિવસ અરિજીતના પરિવાર સાથે વિતાવ્યા હતા. આ ચાર દિવસો દરમિયાન સંગીત પર મંથન થયું અને એક જાદુઈ ગીત તૈયાર કરવામાં આવ્યું.

આમિર ખાન પ્રોડક્શન્સની ભાવુક પોસ્ટ
આમિર ખાન પ્રોડક્શન્સે ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ તસવીર શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. પોસ્ટમાં આમિર અને અરિજીત ગંભીર ચર્ચમાં જોવા મળે છે. આમિરે લખ્યું કે, “અમારી ફિલ્મ ‘એક દિન’માં દિલ રેડવા બદલ આભાર, અરિજીત. તમારી સાથે વિતાવેલા તે ચાર દિવસો ખરેખર જાદુઈ હતા.” આ પોસ્ટ વાયરલ થતા જ ચાહકોમાં ખુશીનો માહોલ છે, કારણ કે અરિજીતનો અવાજ ફરી એકવાર મોટા પડદા પર ગુંજશે.
શું છે ફિલ્મ ‘એક દિન’ની વાર્તા?
આ ફિલ્મનું નિર્દેશન સુનીલ પાંડે કરી રહ્યા છે અને તેમાં આમિરનો પુત્ર જુનૈદ ખાન અને સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ થાઈ ફિલ્મ ‘વન ડે’ની ઓફિશિયલ હિન્દી રિમેક છે. તે એક એવા વ્યક્તિની વાર્તા છે જેને તેની પસંદગીની સ્ત્રી સાથે જીવવા માટે માત્ર એક જ દિવસ મળે છે. આ રોમેન્ટિક ડ્રામા લાગણીઓ અને સંગીતથી ભરપૂર હશે. આ ફિલ્મ 1 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
અરિજીતનો નિર્ણય અને નવી શરૂઆત
અરિજીતે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે તે નવા ફિલ્મી ગીતો નહીં સ્વીકારે, પરંતુ સ્વતંત્ર સંગીત બનાવવાનું ચાલુ રાખશે. આમિર સાથેનો આ પ્રોજેક્ટ કદાચ તેના અગાઉના કમિટમેન્ટનો ભાગ હોઈ શકે છે. તેમ છતાં, આમિરની પર્સનલ વિઝિટ અને અરિજીતનું સમર્પણ દર્શાવે છે કે આ ગીત કંઈક ખાસ હશે. સંગીત પ્રેમીઓ હવે આતુરતાથી આ ગીતની રાહ જોઈ રહ્યા છે, જે અરિજીતની પ્લેબેક સિંગિંગ કારકિર્દીનું યાદગાર ગીત બની શકે છે.