Drshyam 3: અજય દેવગન માટે વર્ષ 2025 ખાસ યાદગાર રહ્યું નહોતું, પરંતુ 2026માં તેમની એક સૌથી રાહ જોવાતી ફિલ્મ ‘દૃશ્યમ 3’ રિલીઝ થવાની છે. ‘દૃશ્યમ’ ફ્રેન્ચાઇઝીના પહેલા બે ભાગોને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે પબ્લિકમાં ત્રીજા ભાગ અંગે પણ ભારે ઉત્સુકતા છે. જોકે, અજય દેવગનની ફિલ્મ પહેલા જ તેની કહાનીનો મોટો રાજ ખુલ્લો પડી શકે છે!
મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની ‘દૃશ્યમ 3’ની રિલીઝ ડેટ સત્તાવાર રીતે જાહેર થઈ ચૂકી છે. ફિલ્મના નિર્માતાઓએ બુધવાર, 14 જાન્યુઆરી 2026ના રોજ જાહેરાત કરી હતી કે મલયાલમ વર્ઝન હિન્દી રીમેક કરતાં છ મહિના પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સાથે જ ફિલ્મનો એક ટીઝર વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં ફિલ્મની ઝલક તો દેખાડવામાં આવી છે, પરંતુ સ્ટોરી વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

મોહનલાલે ‘દૃશ્યમ 3’નો ટીઝર શેર કરતાં લખ્યું હતું, “વર્ષો વીતી ગયા છે, ભૂતકાળ બદલાયો નથી. દૃશ્યમ 3, વર્લ્ડવાઇડ રિલીઝ 2 એપ્રિલ 2026. ના રોજ થશે. ” આ મુજબ, મલયાલમ ફિલ્મ ‘દૃશ્યમ 3’ 2 એપ્રિલ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે, જ્યારે અજય દેવગનની હિન્દી રીમેક 2 ઓક્ટોબર 2026ના રોજ આવશે. એટલે કે, હિન્દી દર્શકો સુધી ફિલ્મ પહોંચે તે પહેલા જ મલયાલમ વર્ઝનમાં કહાનીનો અંત સામે આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે ‘દૃશ્યમ 3’ના હિન્દી રીમેકના નિર્માતાઓએ ડિસેમ્બર મહિનામાં ફિલ્મનું પ્રોમો રિલીઝ કરીને તેની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. હવે મલયાલમ વર્ઝન પહેલા આવી જવાથી હિન્દી વર્ઝનના સસ્પેન્સને લઈને ચર્ચાઓ તેજ બની છે.
મલયાલમ ‘દૃશ્યમ 3’માં મોહનલાલ ફરી એકવાર જ્યોર્જકુટ્ટી તરીકે નજરે પડશે. તેમની સાથે મીના (રાણી), સિદ્ધીકી (પ્રભાકર), આશા સરથ (ગીતા પ્રભાકર), મુરલી ગોપી (આઈજી થોમસ બસ્ટિન), અન્સિબા હસન (અંજુ), ગણેશ કુમાર (સીઆઈ ફિલિપ મેથ્યુ) અને શાંતિ માયાદેવી (વકીલ રેણુકા) જેવા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.
ફિલ્મનું લેખન અને દિગ્દર્શન જીતૂ જોસેફે કર્યું છે, જ્યારે તેનું નિર્માણ આશીર્વાદ સિનેમાઝના બેનર હેઠળ એન્ટની પેરુમ્બાવૂરે કર્યું છે. ફિલ્મને પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. નોંધનીય છે કે ‘દૃશ્યમ 3’નું શૂટિંગ ડિસેમ્બર 2025માં પૂર્ણ થઈ ચૂકયું છે અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.