Battle Of Galwan: તૈયાર થઈ જાઓ ભાઈજાનના એક નવા અવતાર માટે! સલમાન ખાન હવે ‘બેટલ ઓફ ગલવાન’ દ્વારા પડદા પર ભારતીય સૈનિકોની શૌર્યગાથા જીવંત કરવા જઈ રહ્યા છે. ગલવાન ખીણની એ સાચી અને રુંવાડા ઉભા કરી દેતી લડાઈ, જ્યાં આપણા વીરોએ દુશ્મનોના દાંત ખાટા કર્યા હતા, તે હવે સલમાનના દમદાર અંદાજમાં સિનેમાઘરોમાં ગર્જના કરશે. જાણો શું છે ફિલ્મની કહાની……
ફિલ્મનું ટીઝર થયું રિલીઝ
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે, ખાસ કરીને ફિલ્મના ટીઝરને મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ વર્ષ ૨૦૨૦માં લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલા ઐતિહાસિક સંઘર્ષ પર આધારિત છે. ફિલ્મની વાર્તા સંપૂર્ણપણે સત્ય ઘટનાઓથી પ્રેરિત છે, જે ભારતીય સૈનિકોની અપ્રતિમ વીરતા અને સાહસને દુનિયા સામે લાવશે.

શું છે ફિલ્મની વાર્તા
આ ફિલ્મની અસલી કહાની ૧૫ જૂન, ૨૦૨૦ના રોજ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર થયેલી હિંસક અથડામણની છે, જેમાં બંને દેશોના સૈનિકોને નુકસાન વેઠવું પડ્યું હતું. આ લડાઈની સૌથી ખાસ વાત એ હતી કે બંને દેશો વચ્ચેના જૂના કરાર મુજબ સરહદ પર હથિયારો કે ગોળીબારનો ઉપયોગ કરી શકાતો નહોતો. જેના કારણે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે લાકડીઓ અને પથ્થરોથી સામસામી જંગ ખેલાઈ હતી, જેમાં ભારતીય સિંહ સમાન જવાનોએ ચીની સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.
સંઘર્ષની શરૂઆત: પથ્થરો અને લાકડીઓથી ખેલાયો જંગ
અલ જઝીરાના અહેવાલ મુજબ, આ વિવાદ ચીન દ્વારા ભારતીય સરહદ (LAC) માં ઉભા કરાયેલા તંબુઓ અને ટાવરને કારણે શરૂ થયો હતો. આ અથડામણમાં બંને દેશોના આશરે 900 સૈનિકો સામસામે આવી ગયા હતા. હથિયારો પર પ્રતિબંધ હોવાથી સૈનિકોએ પથ્થરો અને લાકડીઓથી જંગ લડ્યો હતો. આ સંઘર્ષમાં કલમ બી. સંતોષ બાબુએ અપ્રતિમ વીરતા બતાવી હતી, જેના માટે તેમને મરણોત્તર ‘મહાવીર ચક્ર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સલમાન ખાનનો દમદાર રોલ
ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’માં સલમાન ખાન 16 બિહાર રેજિમેન્ટનું નેતૃત્વ કરનાર કલન બી. સંતોષ બાબુનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મ એ વીર જવાનોની શહાદત અને સાહસને એક મોટી શ્રદ્ધાંજલિ છે જેમણે દેશ માટે પ્રાણ ન્યોછાવર કર્યા હતા.ફિલ્મમાં સલમાન ખાન આ ભૂમિકા દ્વારા મોટા પડદા પર ભારતીય સૈનિકોના અદભૂત જુસ્સાને જીવંત કરશે.
ક્યારે છે રિલીઝ ડેટ?
અપૂર્વ લાખિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 17 એપ્રિલ 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ફિલ્મમાં સલમાન ખાનની સાથે ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં અભિલાષ ચૌધરી અને અંકુર ભાટિયા જેવા દમદાર કલાકારો સપોર્ટિંગ રોલમાં જોવા મળશે. તેમની સાથે વિપિન ભારદ્વાજ, જેન શો અને હીરા સોહલ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ઉપરાંત નિર્ભય ચૌધરી, સિદ્ધાર્થ મૂલી અને અભિશ્રી સેન પણ પોતાના અભિનયનો જાદુ વિખેરશે.