ક્યારેક એવી ઘટના બની જાય છે જેના કારણે ગામ આખું મુશ્કેલીમાં મૂકાય જાય છે. એમાં પણ સ્થિતિ એવી હોય છે કે, કરે કોઈ અને ભરે કોઈ, આવું જ એક ચિત્ર કચ્છના એક ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યું છે. જેમાં ભેંસને શ્વાને બચકુ ભરતા આખું ગામ ધંધે લાગ્યું હતું. કચ્છમાં એક હડકાયું કૂતરું ભેંસને કરડી જતા અને ભેંસનું દૂધ ગામ લોકોને વેંચાયું હતું.
આ દૂધ પીનારા 129 વ્યક્તિને એકસાથે હડકવા વિરોધી રસીના ઇંજેક્શન આપવાની ફરજ પડી છે અને દોડાદોડી થઇ પડી છે. આ વાતની જાણ ગામમાં વાયુવેગે થતા યુદ્ધના ધોરણે લોકો નજીકની હોસ્પિટલમાં દોડ્યા હતા. કચ્છના પાવરપટ્ટી પંથકના સુમરાસર ગામે આ બનાવ બન્યો હતો. ગત 10 તારીખે એક હડકાયું શ્વાન ગામમાં પાડીને કરડી ગયું હતું. પાડીના પગના ભાગે બચકું ભરી લીધું હતું. તે સમયે કોઈને જાણ ન થઈ. મામલો સામાન્ય લાગ્યો હતો.
બાદમાં આ પાડીએ ભેંસના ધાવણમાંથી દૂધ પીધું અને માલધારીએ પણ આ જ ભેંસનું દૂધ ગામના ફળિયામાં લોકોને ઘરે ઘરે આપ્યું. પણ કોઈને ખબર ન પડી પણ બે દિવસ પછી જે પાડીને શ્વાન કરડી ગયું હતું. તેને સામાન્ય અસર જણાતા માલધારીને શંકા ગઈ અને તેણે ગામમાં જાણ કરી હતી. વાયુવેગે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. હવે તહેવારના દિવસોમાં હડકાયા શ્વાને જે પાડીને બચકું ભર્યું તેની માતા એટલે કે ભેંસના ધાવણમાંથી નીકળેલું દૂધ પીધું છે. તેવું જણાતા લોકો ભયમાં આવી ગયા હતા.
તહેવારની રજાઓ પૂર્ણ થતાની સાથે વાયા વાયા આ વાત સુમરાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને સ્ટાફ પાસે પહોંચી. જેથી ગામમાં જઈને માહિતી મેળવ્યા બાદ તાલુકામાં જાણ કરાઈ અને તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત લોકોને રસી આપવાનું નક્કી કરાયું. જેથી ગામમાં જ આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગ્રામજનોને બોલાવી હડકવા વિરોધી ટીટી અને એઆરવી ઇન્જેક્શનના ડોઝ આપવામાં આવ્યા.