Business News: છેલ્લા કેટલાક મહિનાઓમાં મોંઘવારીએ લોકોને રડાવવા સિવાય બીજું કંઈ કામ જ નથી કર્યું. ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુઓના મામલે મોંઘવારી સામાન્ય લોકો સાથે સાપ-સીડી રમી રહી છે. પહેલા તો ટામેટાના ભાવમાં જબરદસ્ત વધારો થયો. જ્યારે તેને અંકુશમાં લેવામાં આવ્યો ત્યારે ડુંગળી મોંઘી થઈ ગઈ. હવે લસણના ભાવથી સામાન્ય લોકો હેરાન પરેશાન થઈ ગયા.
લસણે પણ ભૂક્કા કાઢ્યા
વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરના કેટલાક અઠવાડિયામાં લસણના ભાવમાં ઝડપથી વધારો થયો છે. એવા અહેવાલો છે કે દેશમાં લસણના છૂટક ભાવ 250 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગયા છે, જ્યારે જથ્થાબંધ બજારમાં લસણના ભાવ 130-140 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. બજાર અનુસાર સારી ગુણવત્તાવાળા લસણની જથ્થાબંધ કિંમત 220-250 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે.
6 અઠવાડિયામાં કિંમત ડબલ થઈ
સિઝનલ કારણોસર વર્ષના આ સમયગાળા દરમિયાન લસણના ભાવમાં વધારો થાય છે. લગભગ દર વર્ષે ડિસેમ્બર મહિનામાં લસણના ભાવમાં વધારો થાય છે. જો કે આ વર્ષે પરિસ્થિતિ જુદી જ જોવા મળી રહી છે. લસણના ભાવમાં વધારો કંઈક અસામાન્ય છે. તેનું કારણ એ છે કે છેલ્લા 6 અઠવાડિયામાં લસણના ભાવ બમણા થઈ ગયા છે.
જેના કારણે ભાવ ઝડપથી વધી રહ્યા છે
લસણના ભાવમાં અસાધારણ વધારા માટે પુરવઠાની અછતને જવાબદાર ગણવામાં આવે છે. લસણ માટે દેશના મોટાભાગના જથ્થાબંધ બજારો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના સપ્લાય પર નિર્ભર છે. લસણના મુખ્ય ઉત્પાદક રાજ્યો, ખાસ કરીને મધ્યપ્રદેશમાં તાજેતરના વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું છે. જેના કારણે લસણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
મેચ રમવા જાય એટલે પહેલા બોલે જ આઉટ.. આ ત્રણ ક્રિકેટર્સનો 0 રન સાથે સૌથી વધુ વખત આઉટ થવાનો રેકોર્ડ
ટામેટા અને ડુંગળીમાં મોંઘવારી હતી
અગાઉ ડુંગળી અને ટામેટાંનું રસોડું બજેટ સામાન્ય લોકો માટે મુશ્કેલ બની ગયું હતું. ઘણી જગ્યાએ ટામેટાંના છૂટક ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોના આંકને પાર કરી ગયા હતા. જે બાદ સરકારે જ રાહત દરે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું હતું. ટામેટાના ભાવ અંકુશમાં આવતાં ડુંગળીના ભાવ વધવા લાગ્યા હતા. છૂટક બજારોમાં ડુંગળી 45-50 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ હતી. જે બાદ સરકારે આ મહિને ડુંગળીની નિકાસ પર નિયંત્રણો લાદી દીધા છે.