Breaking: ગાળાગાળી અને આક્ષેપબાજી વચ્ચે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, બીજા તબક્કાની ટકાવારી જોઈ નેતાઓ હક્કા-બક્કા રહી ગયાં!

Lok Patrika
By Lok Patrika
Share this Article

Gujarat Election Live Update: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. રાજ્યના 14 જિલ્લાની 93 વિધાનસભા બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે આ 93માંથી 51 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 39 અને 3 બેઠકો અપક્ષ ઉમેદવારોને મળી હતી. તે જ સમયે, આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી. મધ્ય ગુજરાતમાં ભાજપને 37 અને કોંગ્રેસને 22 બેઠકો મળી છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો અને તેણે 17 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને માત્ર 14 બેઠકો મળી હતી.

ઉત્તર અને મધ્ય ગુજરાતનું મતદાન શાંતિપૂર્વક રીતે પૂર્ણ થયું છે. બીજા તબક્કામાં અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું હોવાના અહેવાલ છે. પહેલા તબક્કામાં 60 ટકા મતદાન થયું હતું. સૌથી વધારે અંદાજે 68 ટકા સાબરકાંઠામાં થયું તો સૌથી ઓછું અંદાજે 57 ટકા મતદાન દાહોદમાં થયું હોવાનું કહેવામાં આવે છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણે તેમના પરિવારના સભ્યો સાથે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે વડોદરાના મતદાન મથક પર મતદાન કર્યું હતું. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ કહે છે, “હું લોકોને અપીલ કરું છું કે બહાર આવો અને મતદાન કરો.”

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં નડિયાદમાં એક વિકલાંગ વ્યક્તિએ પોતાનો મત આપ્યો છે.

 

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નયન મોંગિયાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે વડોદરાના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો છે.

ગુજરાતમાં મતદાન કર્યા બાદ શક્તિસિંહ ગોહિલે કહ્યું, ‘સોનિયા ગાંધીએ કહ્યું હતું કે અહેમદ પટેલનું સ્થાન કોઈ લઈ શકે નહીં અને અમે હંમેશા તેમની યાદ કરીશું. અમે આ ચૂંટણીઓમાં તેમની ગેરહાજરી અનુભવી હતી. પરંતુ અહેમદ પટેલને હરાવવા માટે ભાજપે અપનાવેલી રણનીતિ લોકોએ જોઈ અને તેઓ ભૂલ્યા નથી. શ્રદ્ધાંજલિ રૂપે, તેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.

બપોરે 4 વાગ્યા સુધીમાં 54% મતદાન

સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં 61% મતદાન
સૌથી ઓછુ અમદાવાદ જિલ્લામાં 48% મતદાન
બનાસકાંઠા જિલ્લામાં 59% મતદાન
પાટણ જિલ્લામાં 54% મતદાન
મહેસાણા જિલ્લામાં 55% મતદાન
સાબરકાંઠા જિલ્લામાં 61% મતદાન
અરવલ્લી જિલ્લામાં 58% મતદાન
ગાંધીનગર જિલ્લામાં 56% મતદાન
અમદાવાદ જિલ્લામાં 48% મતદાન
આણંદ જિલ્લામાં 57% મતદાન
ખેડા જિલ્લામાં 57% મતદાન
મહિસાગર જિલ્લામાં 52% મતદાન
પંચમહાલ જિલ્લામાં 57% મતદાન
દાહોદ જિલ્લામાં 50% મતદાન
વડોદરા જિલ્લામાં 53% મતદાન
છોટાઉદેપુર જિલ્લામાં 58% મતદાન

આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે અલગ અલગ જગ્યાએથી અલગ કિસ્સાઓ સામે આવી રહ્યા છે, એ જ વચ્ચે કલોલ 38-વિધાનસભા બેઠકમાં સંત અન્ના સ્કૂલના વોટિંગ બૂથની બહાર ગેરરીતિ થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો અને આ આરોપ સાથે કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોર ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં ચોક્કસ પક્ષના લોકો સાથે ગાળાગાળી બાદ મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો હતો, જેથી પોલીસે તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને માહિતીનો તાગ મેળવી સમગ્ર મામલો શાંત પાડ્યો હતો.

ઘટના કંઈક એમ બની કે સ્કૂલની બહાર વિરોધપક્ષ દ્વારા એક પ્રાઇવેટ ટેબલ મૂકવામાં આવ્યું હતું, જેમાં મતદારોના મોબાઈલ કલેક્ટ કરવામાં આવતા. આ પ્રાઇવેટ ટેબલ ઉપર બેઠેલી વ્યક્તિઓ દ્વારા મતદારોને ચોક્કસ એક પક્ષને મત આપવા માટે જણાવવામાં આવી રહ્યું છે એવો ગંભીર આક્ષેપ કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યો હતો. આ સાથે બળદેવજી ઠાકોર સ્થળે પહોંચીને તાત્કાલિક ધોરણે ટેબલ હટાવી લેવાનું કહેતાં વિરોધપક્ષના લોકો વચ્ચે ગંદી રીતે ગાળાગાળી થઈ. એ બાદ મામલો ઉગ્ર બની ગયો અને ઝપાઝપી સુધી પહોંચ્યો.

જ્યારે આ ઘટના વાયરલ થઈ તો લોકોના ટોળેટોળા ત્યાં ભેગા થવા લાગ્યા અને મામલો વધારે ગંભીર બની ગયો હતો. સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થઈ ગઈ અને એનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. ઘટના વધુ ઉગ્ર બને એ પહેલા સ્થાનિક મતદારોએ તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી દીધી હતી. જેથી પોલીસકાફલો તાબડતોડ ઘટનાસ્થળ ધસી આવ્યો હતો અને બંને પક્ષોના લોકોને દૂર ખસેડ્યા હતા.

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ના સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ‘‘એક્ઝિટ પોલ’’  પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા સંદર્ભે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢની તારીખ 8 નવેમ્બર અને તારીખ 11 નવેમ્બરના રોજ જાહેર થયેલી પેટા ચૂંટણીઓ સંદર્ભે હવે આજે તારીખ 5-12-2022 ને સોમવારે સાંજે 6:30 વાગ્યા સુધી પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના ‘એક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે, કે અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર નહીં કરી શકે.

ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા તા.19.11.2022 ના જાહેરનામાથી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  લગભગ સાડાપાંચ વાગ્યાથી જ એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ જાય છે, પણ આજે ચૂંટણીપંચે છેલ્લી ઘડીએ મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો છે કે આજે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂરું થઈ જાય પછી તરત એક્ઝિટ પોલ નહીં આપી શકાય. સાંજે 6-30 વાગ્યા સુધી કોઈપણ પ્રકારના અનુમાન, એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગુજરાતમાં બપોરે 3 વાગ્યા સુધી 50.51 ટકા મતદાન નોંધાયું છે.

અમદાવાદ- 44.67%
આણંદ – 53.75%
અરવલ્લી – 54.19%
બનાસકાંઠા – 55.52%
છોટા ઉદેપુર – 54.40%
દાહોદ – 46.17%
ગાંધીનગર – 52.05%
ખેડા – 53.94%
મહેસાણા – 51.33%
મહિસાગર – 48.54%
પંચમહાલ – 53.84%
ડમ્પિંગ – 50.97%
સાબરકાંઠા – 57.23%
વડોદરા – 49.69%

એક વાત એ પણ છે કે બીજા તબક્કામાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદાનને લઈ મતદારો ઉત્સાહી જોવા મળ્યો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કણજરા ગામેથી ટીમલા ગામે મતદાન કરવા માટે મતદારો હોડીમાં બેસીને ગયા હતા. મતદાન કરવા મતદારો હોડીમાં 3થી 4 કિલોમીટરનું અંતર કાપીને મતદાન મથકે પહોંચ્યા હતા. જેણે આમ જનતાને એક અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

નડિયાદમાં એક દિવ્યાંગ વ્યક્તિએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો મત આપ્યો. અંકિત સોનીએ કહ્યું કે 20 વર્ષ પહેલા એક અકસ્માતમાં મેં મારા બંને હાથ ગુમાવ્યા હતા, પરંતુ આ અકસ્માતે મને ક્યારેય મારો મત આપતા અટકાવ્યો નથી. હું હવે મતદાન કરવા મારા પગનો ઉપયોગ કરું છું.

અમદાવાદના શાહપુર મેંહદી કુવા વિસ્તારમાં રહેતી વિરલ નામની યુવતીએ સૌપ્રથમ વખત મત આપ્યો હતો. દૂધેશ્વર અર્બન હેલ્થ સેન્ટર ખાતે મતદાન કરવા આવેલી વિરલ નામની યુવતીએ જણાવ્યું હતું કે, મેં સૌ પ્રથમ વખત મારા માતા અધિકારનો ઉપયોગ કર્યો છે અને સૌ લોકોને મારી અપીલ છે તે લોકોએ મતદાન કરવું જોઈએ.

તો આ તરફ વટવા અને ઘોડાસરની મહિલાઓ ઢોગ નગારા સાથે ડાન્સ કરતી કરતી મતદાન આપવા આવી હતી.

અમદાવાદ શહેરની વાત કરીએ તો મતદાન ખૂબ જ ધીમું ચાલી રહ્યું છે. બપોરે 1:00 વાગ્યા સુધીમાં થયેલા મતદાનના આંકડા અને પરિસ્થિતિ પ્રમાણે મતદાન મથકો ઉપર હવે ભીડ ઓછી જોવા મળી રહી છે. શહેરના કોટ વિસ્તાર કહેવાતા એવા જમાલપુર ખાડિયા વિસ્તારમાં મતદાન નિરસ થઈ રહ્યું છે. બપોરે 12 વાગ્યા સુધી મતદાન કરવા માટે લોકો મતદાન મથક સુધી પહોંચ્યા હતા અને લાઈનો જોવા મળી હતી.

બપોરે 2 વાગ્યા સુધીમાં 39% મતદાન
સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 43% મતદાન
સૌથી ઓછુ મહિસાગર જિલ્લામાં 34% મતદાન
બનાસકાંઠા જિલ્લામાં 43% મતદાન
પાટણ જિલ્લામાં 39% મતદાન
મહેસાણા જિલ્લામાં 40% મતદાન
સાબરકાંઠા જિલ્લામાં 43% મતદાન
અરવલ્લી જિલ્લામાં 42% મતદાન
ગાંધીનગર જિલ્લામાં 41% મતદાન
અમદાવાદ જિલ્લામાં 35% મતદાન
આણંદ જિલ્લામાં 42% મતદાન
ખેડા જિલ્લામાં 41% મતદાન
મહિસાગર જિલ્લામાં 34% મતદાન
પંચમહાલ જિલ્લામાં 41% મતદાન
દાહોદ જિલ્લામાં 39% મતદાન
વડોદરા જિલ્લામાં 39% મતદાન
છોટાઉદેપુર જિલ્લામાં 43% મતદાન

જેને જોઈને આપણે મતદાન કરવાનું મન થાય એવા ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. એવો જ એક કિસ્સા પાટણમાં પણ સામે આવ્યો છે. પાટણમાં મતદાન કરવા જતા વૃદ્ધા રેલિંગ પરથી નીચે પટકાઇ ગયા હતા. જોકે, હાજર સુરક્ષા કર્મચારીઓએ તુરંત ઉભા કર્યા હતા. વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચી હોવા છતાં તેમણે મતદાન કર્યું હતું. ત્યારબાદ 108 બોલાવીને તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. આ કિસ્સો જોઈને ઘણા યુવાનો પણ શરમાઈ ગયા કે જેણે મતદાન કરવાનું ટાળવાનું વિચાર્યું હતું.

આવો એક બીજો કિસ્સો પણ ચર્ચામાં છે કે જેમાં દર્દી કિરીટભાઈ ખત્રીન છેલ્લા ઘણા સમયથી હોમ આઇશોલેશનમાં વેન્ટિલેટર પર હતા, છતાં મતદાન કરવાની ઇચ્છા પરિવાર સામે દર્શાવતા પરિવારે એમ્બ્યુલન્સ મતદાન મથકે લઇ જઇ મતદાન કરાવ્યું હતું.

એ જ રીતે વિસનગરના કિસ્સાની વાત કરીએ તો 72 વર્ષના વૃદ્ધાએ મતદાન કરીને કહ્યું હતું કે, ‘ઘસડીને લાવશો તો પણ મતદાન કરવા તો આવીશું, જીવીશ ત્યાં સુધી મતદાન તો કરીશ જ’, ગાંધીનગરની ઉત્તર બેઠક પર કેન્સર ગ્રસ્ત ચંદ્રિકાબેન ખીસડીયાએ 69 વર્ષની ઉંમરે સેક્ટર 20 મતદાન મથક પર મતદાન કર્યું હતું. ગાંધીનગરની ઉત્તર બેઠક પર દિવ્યાંગ દંપતી મુકેશ ભારતી જોશી અને આશાબેને મતદાન કરીને જણાવ્યું હતું કે, શારીરિક રીતે ભલે અશકત છીએ પણ અમને ખુશી છે કે અમારા મત થકી અમે દેશના ભવિષ્યમાટે મતદાન થકી એક નાનો આધાર બની રહ્યા છીએ. આનાથી વધારે ખુશીની વાત અમારા માટે બીજી કઈ હોય.

તો વળી આણંદ વિધાનસભા બેઠકો પર આણંદના બીમાર મતદારો પણ એમબ્યુલન્સ સાથે પોતાનું મત આપવા માટે અને પગે ચાલી ન શકાય તેવા પણ લોકો હાલ મતદાન મથકે પહોંચી પોતાનો મત આપવા પહોંચ્યા હતા.આણંદના વિવિધ મતદાન મથકોએ મોટી સંખ્યામાં મતદારોએ ઉત્સાહભેર મતદાન માટે લાઈન લગાવી હતી.

બપાોરના 1 વાગ્યા સુધીમાં 34.74 ટકા મતદાન થયું છે, જેમાં સૌથી વધારે સાબરકાંઠામાં તો સૌથી ઓછું મહિસાગર જિલ્લામાં મતદાન થયું છે.

પીએમ મોદીના માતા હીરાબેને ગાંધીનગરમાં મતદાન કર્યું. આ દરમિયાન તેમની સાથે તેમનો પુત્ર અને પીએમ મોદીના ભાઈ પંકજ મોદી પણ હાજર હતા. હીરાબેનની ઉંમર આશરે 100 વર્ષની છે. જો કે મહત્વની વાતસ એ છે કે ઘરે બેઠા મતદાનની સુવિધા હોવા છતાં વડાપ્રધાનના 100 વર્ષના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણની પ્રાથમિક શાળામાં જઇ મતદાન કર્યું હતું. તો વળી ડીસામાં આમ આદમી પાર્ટીના નિશાન પર અને થરાદમાં ભાજપના શંકર ચૌધરીને મત આપતો EVMનો ફોટો વાયરલ થતાં પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

આ સાથે જ AAPના CM ઉમેદવાર ઇસુદાન ગઢવીએ અમદાવાદમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

તો વળી મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી મતદારો પોતાનો મત આપવા બુથ પર પહોંચ્યા હતા. વિસનગરમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે લાઈનમાં ઊભા રહી મતદાન કર્યું, પ્રજાને વધુ મતદાન કરવા અપીલ કરી હતી. તો ઇડર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર રમણલાલ વોરાએ ઇડરની કે.એમ.પટેલ હાઈસ્કૂલમાં મતદાન કર્યું હતું. દહેગામ બેઠકના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે પાલુન્દ્રા ગામે મતદાન કર્યું હતું. તો ભિલોડા બેઠકના ભાજપા ઉમેદવાર પી.સી બરંડા અને તેમની ધર્મ પત્નીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે કુળદેવી અને ઇષ્ટદેવની પૂજા અર્ચના કરી મતદાન કર્યું હતું. ગાંધીનગર ઉત્તર બેઠક પર કેન્સરગ્રસ્ત ચંદ્રિકાબેન ખીસડીયાએ 69 વર્ષની ઉંમરે સેક્ટર 20 મતદાન મથક પર મતદાન કર્યું હતું. મતદાન કરીને થેરેપી માટે ગયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 24% મતદાન થયું છે.

સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 28% મતદાન
સૌથી ઓછુ મહિસાગર જિલ્લામાં 22% મતદાન
બનાસકાંઠા જિલ્લામાં 25% મતદાન
પાટણ જિલ્લામાં 23% મતદાન
મહેસાણા જિલ્લામાં 25% મતદાન
સાબરકાંઠા જિલ્લામાં 26% મતદાન
અરવલ્લી જિલ્લામાં 26% મતદાન
ગાંધીનગર જિલ્લામાં 25% મતદાન
અમદાવાદ જિલ્લામાં 22% મતદાન
આણંદ જિલ્લામાં 25% મતદાન
ખેડા જિલ્લામાં 24% મતદાન
મહિસાગર જિલ્લામાં 22% મતદાન
પંચમહાલ જિલ્લામાં 23% મતદાન
દાહોદ જિલ્લામાં 23% મતદાન
વડોદરા જિલ્લામાં 24% મતદાન
છોટાઉદેપુર જિલ્લામાં 28% મતદાન

હાલમાં અમદાવાદમાં પણ બીજા બતક્કામાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે બાપુનગર વિધાનસભામાં મતદાન કર્યું હતું. પરંતુ જોવા જેવી વાત એ છે કે અમિત નાયક ઘરેથી ફાટેલા કપડાં પહેરીને નીકળ્યા હતા. ફાટેલા કપડાં ઉપરાંત હાથમાં તેલનો ડબ્બો રાખ્યો હતો તો અન્ય કાર્યકરોએ હાથમાં ગેસનો બાટલો પણ રાખ્યો હતો. લોકો આ સીન જોવા માટે ભેગા થઈ ગયા હતા. વિરોધ સાથે મતદાન મથકમાં જઈને અમિત નાયકે મતદાન કર્યું હતું. અમિત નાયકે જણાવ્યું હતું કે, નાગરિકો હવે બોલી શકતા નથી, આથી મેં આજે સરકાર દ્વારા વધારવામાં આવેલી મોંઘવારી, બેરોજગારી અને મંદીનો પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કર્યું છે.

ગુજરાતમાં ચૂંટણીના બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 19 ટકા મતદાન થયું છે. ગાંધીનગરમાં સૌથી વધુ 21 ટકા તો મહિસાગરમાં સૌથી ઓછું 9 ટકા મતદાન થયું છે.

અમદાવાદ – 16.51%
આણંદ – 20.38%
અરવલ્લી – 20.38%
બનાસકાંઠા – 21.02%
છોટા ઉદેપુર – 23.35%
દાહોદ – 17.83%
ગાંધીનગર – 20.39%
ખેડા – 19.63%
મહેસાણા – 20.66%
મહિસાગર – 17.06%
પંચમહાલ – 18.74%
ડમ્પિંગ – 18.18%
સાબરકાંઠા – 22.18%
વડોદરા – 18.77%

ગૃહમંત્રી અમિત શાહે તેમના પુત્ર જય શાહ અને પરિવાર સાથે અમદાવાદના નારણપુરા ખાતે મતદાન કર્યું હતું.

આજે સવારથી જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લામાં જોરશોરથી મતદાન થઈ રહ્યું છે અને લોકો લાઇનમાં ઊભા રહીને હોંશભેર મતદાન પણ કરી રહ્યા છે. 10 વાગ્યા સુધીમાં કુલ 13% જેટલું મતદાન થયું હોવાના પણ અહેલાવ છે. એવામાં હાલ જણાવ મળ્યું છે કે ગુજરાતના બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાન સમયે ગુજરાતની બે જગ્યાઓ પર EVM મશીન ખોરવાતા મતદાનની પ્રક્રિયા અટકી ગઈ છે. મળતી જાણકારી અનુસાર વડોદરાના પાદરામાં મતદાન મથક 101 પર EVM મશીન ખોટકાયુ છે. EVM મશીન ખોટવાતા મતદાન મથક 101 પર મતદારોની લાંબી લાઈનો લાગી ગઈ છે અને લોકોને મતદાન કરવામાં મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.

આજે 14 જિલ્લાના 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારો સહિત કુલ 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. આગામી 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઘાટલોડિયા વિધાનસભામાં પોતાનો મત આપ્યો. આનંદીબેને શીલજની અનુપમ સ્કૂલમાં મતદાન કર્યું હતું.

ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં મતદાન કર્યું. આ પછી વાઘેલાએ લોકોને આવા ઉમેદવારને ચૂંટવા માટે અપીલ કરી, જેની સામે પછીથી કોઈ આંદોલન ન કરવું પડે. આ ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું.

 

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે બીજા તબક્કામાં ઓબીસી પ્રભુત્વ ધરાવતા મતવિસ્તારોમાં મતદાન થઈ રહ્યું છે. કોંગ્રેસે તેના સીએમ ઉમેદવારનું કાર્ડ ઓબીસી હોવાની શક્યતા દર્શાવી છે, તેથી મને લાગે છે કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને આ આખો પ્રદેશ કોંગ્રેસને મત આપશે. હું ભાજપના 27 વર્ષના શાસનમાં પરિવર્તન જોઉં છું.

ગુજરાતમાં સવારે 9 વાગ્યા સુધીમાં 4.75% મતદાન થયું છે.

અમદાવાદ – 4.20%
આણંદ – 4.92%
અરવલ્લી – 4.99%
બનાસકાંઠા – 5.36%
છોટા ઉદેપુર – 4.54%
દાહોદ – 3.37%
ગાંધીનગર – 7.05%
ખેડા – 4.50%
મહેસાણા – 5.44%
મહિસાગર – 3.76%
પંચમહાલ – 4.06%
ડમ્પિંગ – 4.34%
સાબરકાંઠા – 5.26%
વડોદરા – 4.15%

અમિત શાહ સવારે 10.30 કલાકે મતદાન કરવા પરિવાર સાથે અમદાવાદના નારણપુરા પહોંચશે. નારણપુરા મતદાન મથક પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના લોકો દ્વારા લોકશાહીના પર્વની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી છે. હું દેશની જનતાનો આભાર માનવા માંગુ છું. હું તેમનો આભાર માનું છું. શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવા માટે હું ચૂંટણી પંચને પણ અભિનંદન આપવા માંગુ છું. પીએમ મોદીએ અમદાવાદના રાણીપમાં એક શાળામાં સ્થાપિત મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું. સામાન્ય નાગરિકોની જેમ તેઓએ લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. તેઓ પગપાળા મતદાન મથકે પહોંચ્યા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. રાજ્યના 14 જિલ્લાની 93 વિધાનસભા બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે આ 93માંથી 51 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 39 અને 3 બેઠકો અપક્ષ ઉમેદવારોને મળી હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી.

આ દરમિયાન પીએમ મોદીએ અમદાવાદના રાણીપમાં એક શાળામાં સ્થાપિત મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું છે. સામાન્ય નાગરિકોની જેમ તેઓએ લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. તેઓ પગપાળા મતદાન મથકે પહોંચ્યા હતા. લોકો અહી મોટી સંખ્યામા પહોંવ્હા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે વિરમગામના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે ચંદ્રનગર પ્રાથમિક શાળાના મતદાન મથક 264 પર પોતાનો મત આપ્યો. વોટ આપવા જતા પહેલા હાર્દિક પટેલે કહ્યું, ‘હું દરેકને વોટ કરવાની અપીલ કરું છું. ભાજપે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી છે અને ગુજરાતના વિકાસ માટે કામ કર્યું છે. હું ઈચ્છું છું કે તમામ ગુજરાતીઓ ભાજપને મત આપે. આપણે મતદાન કરવાની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે ચૂંટણી લોકશાહીની સુંદરતા છે.’ પટેલના પત્ની કિંજલબેન પટેલે ચૂંટણીમાં તેમના પતિની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે લોકો હાર્દિકને સમર્થન આપે છે અને તે વિજયી બનશે. “તે કોઈ નજીકની લડાઈ નથી, દરેક હાર્દિકની સાથે છે. અમે પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ. હાર્દિકને પડકારો ગમે છે અને તે આ પડકારને પણ પાર કરશે. તે ચોક્કસપણે જીતશે,” તેમણે ઉમેર્યું.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે બૂથ નંબર 95 પર પોતાનો મત આપ્યો. ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલ મેદાનમાં છે. ગત વખતે ભૂપેન્દ્ર પટેલ એક લાખથી વધુ મતોથી જીત્યા હતા.

ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. અલ્પેશે કહ્યું કે ગુજરાતની જનતાએ 27 વર્ષ પહેલાનું ગુજરાત જોયું છે. પછી તોફાનો, જંગલરાજ, ખરાબ વ્યવસ્થા. ભાજપ સરકાર બન્યા બાદ લોકો રમખાણો ભૂલી ગયા છે, વિકાસના દિવસો આવી ગયા છે. જો તમે એક વાર ભૂલ કરી (કોંગ્રેસમાં જઈને) તો શું તમે વારંવાર કહેશો? મેં તે વિચારધારા છોડી દીધી છે જે મોદીજીને ગાળો આપવાની વાત કરે છે. અમે સુધરી ગયા છીએ. કોંગ્રેસને પણ કહો કે સુધરે. અલ્પેશને ગાંધી નગર દક્ષિણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ડો.હિમાંશુ પટેલનો સખત પડકાર છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે સોમવારે 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થવાનું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપે આમાંથી 51 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 39 બેઠકો જીતી હતી, જ્યારે અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠકો જીતી હતી. મધ્ય ગુજરાતમાં ભાજપે 37 બેઠકો જીતી છે. કોંગ્રેસને 22 બેઠકો મળી હતી. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને 17 અને ભાજપને 14 બેઠકો મળી છે.

બીજા તબક્કાનો પ્રચાર શનિવારે સાંજે સમાપ્ત થયો. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત પ્રદેશોની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં સરેરાશ 63.31 ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. બાકીની 93 બેઠકો માટે જે બીજા તબક્કામાં મતદાન થશે, 61 રાજકીય પક્ષોના 833 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્ય ચૂંટણી સંસ્થાના જણાવ્યા અનુસાર, ઉમેદવારોમાં 285 અપક્ષોનો પણ સમાવેશ થાય છે.

ભાજપ અને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી AAP તમામ 93 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ 90 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને તેના સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ બે બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. અન્ય પક્ષોમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) એ 12 ઉમેદવારો અને બહુજન સમાજ પાર્ટી (BSP) એ 44 ઉમેદવારો ઉભા રાખ્યા છે. આજે સોમવારે જે 93 વિધાનસભા મતવિસ્તારો માટે મતદાન થશે તે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને અન્ય જિલ્લાઓમાં ફેલાયેલ છે.

બીજા તબક્કાના કેટલાક મહત્વના મતવિસ્તારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા, ભાજપના નેતા હાર્દિક પટેલના વિરમગામ અને ગાંધીનગર દક્ષિણનો સમાવેશ થાય છે, જ્યાંથી ભાજપના અલ્પેશ ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત દલિત નેતા જીગ્નેશ મેવાણી બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા છોટા ઉદેપુર જિલ્લાના જેતપુરથી ઉમેદવાર છે. ભાજપના બળવાખોર મધુ શ્રીવાસ્તવ વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

 


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly