હાલમાં અમદાવાદની હાલત એવી છે કે 5 જાન્યુઆરીએ શહેરમાં નવા 23 માઈક્રો કન્ટેન્મે્ન્ટ ઝોન ઉમેરાયા છે, જ્યારે પહેલાથી 86 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. છતાં રાજકીય અને સામાજીક મેળાવડા પણ બંધ થવાનું નામ લેતા નથી. જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ય વિગતો અનુસાર 4 જાન્યુઆરીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્ય માટે આશીર્વાદ આપવા ધર્માંચાર્ય આશીર્વાદ સમારોહનું આયોજન કર્યું હતું. સમારોહમાં રાજ્યના 500થી વધુ સાધુ સંતો હાજર રહ્યા હતા. આ સમારોહ બાદ તમામ સાધુ-સંતો માટે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સાધુ- સંતોને ભોજન પીરસવામાં આવ્યું હોવાનું પણ કહેવામાં આવ્યું છે.
ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે અમદાવાદનું આ સંત સંમેલન સુપર સ્પ્રેડર બન્યું છે અને અમિત શાહ, ભૂષણ ભટ્ટ સહિત શહેર ભાજપના 40 નેતાઓ પોઝિટિવ આવ્યા છે અને જેના કારણે સંતોમાં પણ ફફડાટ વધી રહ્યો છે.