વિવેક ગોહિલ ( પ્રાદેશિક માહિતી કચેરી- અમદાવાદ ): સિંચાઈ એ ખેતીનું મૂળભૂત અંગ છે. ખેતીમાં સિંચાઈનાં સંસાધનો વિકસાવી પાણીથી સમૃદ્ધ બનવાનું ખેડૂતોનું લક્ષ્ય હોય છે. પિયત માટે પાણીનો સ્રોત અને તેની જાળવણીના થતા ખર્ચને કારણે ઘણીવાર ખેડૂતને મુશ્કેલી પડતી હોય છે. તળાવ, કેનાલ, કૂવા કે બોરમાંથી પંપની મદદથી ખેતરમાં પાણી આપવા માટે ઘણીવખત પારાવાર ખર્ચ થવાથી સરવાળે નફો ઘટી જાય છે. પરંતુ અમદાવાદના સાણંદ તાલુકાના ખોરજ ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી શક્તિસિંહ વાઘેલાએ સિંચાઈનો ખર્ચ શૂન્ય કરી ખેતીને વધારે નફાકારક બનાવી દીધી.
સાણંદના ખોરજ ગામના ખેડૂત શક્તિસિંહ વાઘેલાએ પીએમ કુસુમ યોજનાનો લાભ મેળવતા ખેતરનું લાઈટબિલ શૂન્ય થયું. છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રાકૃતિક ખેતીના માર્ગે વળેલા શક્તિસિંહ બાગાયત પાકોની સાથે ડાંગર જેવા ધાન્ય પાકોનું વાવેતર પણ કરે છે. આ પાકોને પાણીની જરૂરિયાત રહેતી હોવાથી સિંચાઈ માટે પંપનો સતત વપરાશ થાય છે. જેના પરિણામે અગાઉ તેમને ભારેભરખમ વીજબિલની ચિંતા રહેતી હતી. તેવામાં તેમને કેન્દ્ર સરકારની પીએમ કુસુમ યોજના અર્થાત પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા ઉત્થાન મહાભિયાન વિશે જાણકારી મળી.
આ યોજના માટે તેમણે સત્તાવાર વેબ પોર્ટલ પર અરજી કરી, જરૂરી દસ્તાવેજો જોડ્યા. અને તેમની અરજી ગ્રાહ્ય રાખવામાં આવતાં તેમને 7.5 HPનો પંપ અને તેના માટે જરૂરી યુનિટ સૌર ઊર્જા ઉત્પન્ન કરતી સોલર પેનલ લગાવવા માટે લોન અને સબસિડી મળવાથી કુલ ખર્ચની માત્ર 10 ટકા રકમ ખર્ચવાથી તેમના ખેતરમાં સોલર પેનલ અને પંપ લાગી ગયા. જેના પરિણામે તેમના ખેતરનું વીજબિલ શૂન્ય થઈ ગયું. આથી શક્તિસિંહે કેન્દ્ર સરકારની આ યોજનાને ખર્ચ ઘટાડવાના ધ્યેય સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે વરસાદ સમાન ગણાવી છે.
પીએમ કુસુમ યોજના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે વરદાનરૂપ
ખેડૂતોની આવક વધારવા, સિંચાઈનાં સંસાધનો પૂરા પાડવા અને ખેત ક્ષેત્રને ડી-ડિઝલાઇઝ કરવાના ધ્યેયમંત્ર સાથે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા ઉત્થાન મહાભિયન (PM-KUSUM) નામની યોજના 2019થી શરૂ કરી છે. ગ્રામ્ય વિસ્તારની જમીનો પર ઓફ-ગ્રીડ સોલર પંપ સ્થાપિત કરવામાં મદદ કરીને, આ યોજનાનો હેતુ ગ્રીડ પર ખેડૂતોની નિર્ભરતા ઘટાડવાનો છે. યોજનાનો લાભ મેળવનાર ખેડૂતોની ડિઝલ પર નિર્ભરતા ઘટશે સાથોસાથ ઉત્પાદિત થતી વધારાની વીજળીનું વેચાણ કરી અને આવક પણ મેળવી શકશે. નવી અને નવીનીકરણીય ઊર્જા માટે ઊર્જા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી આ મહત્ત્વની યોજના છે.
પીએમ કુસુમ યોજના માટેની પાત્રતા
પીએમ કુસુમ યોજનાનો લાભ પ્રાપ્ત કરવા માટે વિવિધ શ્રેણી હેઠળ નીચે મુજબના પક્ષકારો અરજી કરી શકે છે.
* વ્યક્તિગત ખેડૂત
* ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO)
* પંચાયત
* ખેડૂતોનું જૂથ
* પાણી વપરાશકર્તા સંગઠનો
* સહકારી સંસ્થાઓ