ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. આ હત્યા કેસ અંતર્ગત દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માનીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ દરમિયાન તેણે એક મોટો ખુલાસો કર્યો છે. મોલાના કમરગની ઉસ્માનીએ સ્વીકાર્યું છે કે તેના સંબંધો પાકિસ્તાન સાથે છે. મોલાનાએ જણાવ્યું છે કે તે પાકિસ્તાની સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે જાેડાયેલો છે. દાવત-એ-ઈસ્લામી સંસ્થા પાકિસ્તાનના કરાંચીમાં છે અને અમદાવાદ સહિત દેશ-દુનિયામાં આ સંસ્થા ચાલી રહી છે.
આ સંસ્થા ઈસ્લામિક એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટ છે અને તે ઈસ્લામિક શિક્ષણની આડમાં યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમને કટ્ટર અને હિંસક બનાવવાનું કામ કરી રહી છે. કમરગની ઉસ્માનીએ છેલ્લા છ મહિનામાં રાજ્યના વિવિધ શહેરોની મુલાકાત લીધી હતી. મૌલાના કમરગની ગઝવે હિંદ નામના ભારત વિરોધી પાકિસ્તાની એજન્ડા પર કામ કરે છે. ત્રિપુરામાં થયેલી હિંસામાં પણ કમરગનીની સંડોવણી બહાર આવી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
એટીએસ કમલેશ તિવારી હત્યાકાંડ મામલે પણ મૌલાનાની પૂછપરછ કરી શકે છે. પાકિસ્તાનના કેટલાક આતંકીઓ સાથે મૌલાનાની સંડોવણીનો પણ ખુલાસો થયો છે. કિશન ભરવાડ પર ફાયરિંગ કરનારા સબ્બીરનો મૌલાના કમરગની શૂટર તરીકે ઉપયોગ કરતો હતો. આ બંને વચ્ચે મુંબઈમાં હત્યાના મામલે જ એક બેઠક થઈ હતી. પયગંબર વિરુદ્ધ પોસ્ટ કરનારને મૃત્યુની સજા આપવા માટે મૌલાનાએ જ સબ્બીરને ઉશ્કેર્યો હતો. મૌલાના કમરગની હંમેશા સોશિયલ મીડિયા પર નજર રાખે છે.
ધાર્મિક પોસ્ટ પર તે સતત નજર રાખતો રહેતો હતો. દેશભરમાં અન્ય જગ્યાએ પણ પયગંબર વિરુદ્ધ પોસ્ટ કરનારા લોકો સાથે પણ આવું જ કર્યું હોય તેવી આશંકા રાખવામાં આવી રહી છે. ગુજરાત એટીએસની ટીમે રવિવારે દિલ્હીમાંથી મૌલાના કમરગનીની ધરપકડ કરી હતી. હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પૂછપરછમાં હજી પણ વધુ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે.
અગાઉ પોરબંદરના એક યુવકની હત્યાનું કાવતરૂ રચવામાં આવ્યું હતું.
પોરબંદરના સાજન ઓડેદરાની હત્યા માટે કાવતરૂ રચવામાં આવ્યું હતું. તેની હત્યા માટે મૌલાના અને સબ્બીર બે દિવસ પોરબંદરમાં રોકાયા હતા અને રેકી કરી હતી. જાેકે, સાજન બહાર હોવાથી તેની હત્યાનું કાવતરૂ સફળ રહ્યું ન હતું. સાજને પણ સોશિયલ મીડિયા પર ધાર્મિક પોસ્ટ કરી હતી જેની અદાવત રાખવામાં આવી હતી. આ કેસમાં પણ એટીએસ તપાસ કરે તેવી શક્યતા છે.