તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે અસલાલી રિંગરોડ નજીકથી ૧૭.૫૦ લાખનો દારુનો જથ્થો ઝડપી પાડ્યા બાદ એક પછી એક વિગતો સામે આવી રહી છે. સમગ્ર પ્રકરણમાં કાપડના રો મટિરિયલની આડમાં દારુની હેરાફેરીના નેટવર્કનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં અસલાલી પોલીસ સ્ટેશનના બે પીએસઆઈને પણ સસ્પેન્ડ કરી દીધા હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ કિસ્સામાં વધુ એક નેટવર્ક પણ ચાલતું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
અસલાલી દારુ પ્રકરણથી અમૂક ભ્રષ્ટ પોલીસ કર્મીઓની ઉંધ હરામ થઈ ગઈ હોવાનો પણ ગણગણાટ શરુ થઈ ગયો છે. જો કે, હવે પોલીસ કઈ દિશામાં કેટલી તપાસ હાથ ધરે છે તે જોવાનું રહ્યું છે. પણ આ કેસમાં અનેકના હાથ કાળા હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. તાજેતરમાં અસલાલી રિંગરોડ પાસેથી ઝડપાયેલ દારુ પ્રકરણમાં પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ માલ બુટલેગર બંસી મારવાડીનો હતો.
બંસી મારવાડી જેલમાં હોવા છતા પોલીસ સાથે ગોઠવણ કરીને દારુનું નેટવર્ક ચલાવતો હોવાની આશંકા સેવાઈ છે. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી રિંગરોડ તરફથી દારુ ઘૂસાડવામાં આવી રહ્યો છે. જેલમાં બંધ બંસી મારવાડી પકડાયા બાદ પણ તેના માણસો અમદાવાદની ફરતે આવેલા રિંગરોડથી દારુ ઘુસાડી રહ્યા હોવાની આશંકાઓ છે. પોલીસે વિવિધ દિશામાં તપાસ પણ હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે, અમદાવાદના અસલાલી રિંગરોડ નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલે ૩૧ ડિસેમ્બર પહેલા કાપડના રો મટિરિયલની અંદર છુપાવીને લવાતો ૧૭.૫૦ લાખનો દારુ સહિત ૪૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. દારુનો જથ્થો જે તે સ્થળે પહોંચે તે પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલે ખેલ પાડી દેતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. આ પ્રકરણમાં આખરે જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંગ યાદવે અસલાલી પોલીસ સ્ટેશનના બે પીએસઆઈને સસ્પેન્ડ કરી દીધા છે.
પીએસઆઈ જગદીશ ચાવડા અને જે.એચ. વાઘેલાની બેદરકારી હતી કે, તેમની બુટલેગરો સાથે મિલીભગત હતી. હવે તેની તપાસ કરવામાં આવશે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ માલ બુટલેગર બંસી મારવાડીનો હતો. હાલ પોલીસ વિભાગ દ્ધારા વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. આ તપાસમાં હજુ અનેકના પગ નીચે રેલો આવવાની શક્યતાઓ પણ વધુ જોવા મળી રહી છે.