અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર છે. યુનાઈટેડ આરબ અમીરાતના પીઢ ઉદ્યોગપતિ અને લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ હેડ યુસુફ અલી ગુજરાતના અમદાવાદમાં દેશનો સૌથી મોટો મોલ સ્થાપવા માટે તૈયાર છે. તેમની કંપની અમદાવાદમાં દેશનો સૌથી મોટો શોપિંગ મોલ સ્થાપવા માટે રૂ. 3000 કરોડનું રોકાણ કરશે. લુલુ ગ્રુપના માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ડાયરેક્ટર વી નંદકુમારે જણાવ્યું હતું કે તમામ આધુનિક સુવિધાઓ સાથે રૂ. 3,000 કરોડના શોપિંગ મોલનું નિર્માણ આગામી વર્ષથી શરૂ થશે.
તાજેતરમાં દુબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યુએઈ રોડ શો દરમિયાન લુલુ ગ્રુપ અને ગુજરાત સરકાર વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલનું રૂ. 3,000 કરોડનું રોકાણ તેનું પરિણામ માનવામા આવી રહ્યુ છે.
આ સાથે નંદકુમારે કહ્યું કે કોચી (કેરળ) અને લખનૌ (ઉત્તર પ્રદેશ) પછી દેશમાં લુલુ ગ્રુપનો આ ત્રીજો શોપિંગ મોલ હશે. આનાથી રાજ્યમાં 6,000 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 12,000 થી વધુ લોકોને રોજગારી મળશે.
આગળ વાત કરતા નંદકુમારે જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટના નિર્માણ માટે જમીન સંપાદન અંગેની વાતચીત હવે બસ છેલ્લા તબક્કામા છે. આ મેગા શોપિંગ મોલનો શિલાન્યાસ આવતા વર્ષની શરૂઆતમાં કરવામાં આવશે.” અમદાવાદના શોપિંગ મોલમાં 300થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ હશે. તેમાં 3000 લોકોની ક્ષમતા સાથે મલ્ટી-કુઝીન રેસ્ટોરન્ટ, IMAX સાથેનું 15-સ્ક્રીન મલ્ટિપ્લેક્સ, બાળકો માટેનું દેશનું સૌથી મોટું મનોરંજન કેન્દ્ર અને અન્ય ઘણી એવી ચીજો હશે જે લોકો માટે આકર્ષણનુ કેંદ્ર બનશે