અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે. અવારનવાર ડ્રગ્સને લગતા સમાચાર પણ સામે આવતા જ રહે છે. ટીનેજર્સ જ નહીં, પણ ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો પણ ડ્રગ્સના રવાડે ચઢીને રેવ પાર્ટી કરતા થઈ ગયા છે. ત્યારે વંદિત પટેલના ડ્રગ્સકાંડ બાદ પોલીસ સતત ડ્રગ્સ-પેડલરો અને નબીરાઓ પર નજર રાખી રહી છે. ત્યારે હવે અમદાવાદની SOG(સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)એ પકડેલા પ્રતાપસિંહ નામના ડ્રગ્સ-પેડલરે બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ પણ ડ્રગ્સ લઈ રહ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.
એસ્કોર્ટ ગર્લ સપ્લાય કરતાં કરતાં અમદાવાદના વેપારી કોલગર્લ અને ડ્રગ્સ પણ મગાવતા હતા. સૌ પહેલા ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોને એસ્કોર્ટ ગર્લ સપ્લાય કરતો, સાથે સેક્સ પાવર માટે ડ્રગ્સની ઓફર કરતો હતો. એક બિલ્ડરે તો નરોડામાં રેવ પાર્ટી પણ યોજી હતી.આખા રેકેટમાં SOG દ્વારા પેડલર પ્રતાપસિંગની ધરપકડ બાદ ડ્રગ્સ અને યુવતીઓનું રેકેટ સામે આવ્યું હતું. SOGના સિનિયર અધિકારીએ કોલ-ડિટેઇલ તપાસતાં સેંકડો નંબર નીકળ્યા હતા, જેમાં કેટલાક નંબર બિલ્ડરો અને ઉદ્યોગપતિઓના પણ હતા, જે જોઇને પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પેડલરની એક ગજબની મોડસ ઓપરેન્ડીથી શ્રીમંતોને ડ્રગ્સના રવાડે ચડાવાતા હતા.
અમદાવાદ SOG ટીમે જુલાઈ મહિનામાં બાતમીના આધારે ચાંદખેડાના આનંદ સ્કવેરમાંથી 85 ગ્રામના એમ.ડી.ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. આ સંદર્ભે છેક હિમાચલ પ્રદેશ સુધી SOGએ તપાસ લંબાવી હતી. આરોપીના મોબાઈલ કોલ-ડિટેઇલમાં પણ અમદાવાદના અનેક બિલ્ડર અને વેપારીઓ હોવાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું.આ પેડલર પાસેથી SOGની ટીમે તેનો મોબાઈલ, ડ્રગ્સનો જથ્થો સહિત કુલ રૂ. 9.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યાર બાદ તેની વધુ પૂછપરછ કરતાં પેડલર પ્રતાપસિંહ રાજસ્થાનના સ્વરૂપ રાઠોડ અને દિલ્હીના નિન્ટો અંગામાલી પાસેથી ડ્રગ્સનો જથ્થો મગાવીને વેચતો હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે SOG ટીમે આ બન્નેની વિરુદ્ધ પણ ગુનો નોંધી તેમની શોધખોળ હાથધરી હતી. બીજી બાજુ પ્રતાપસિંહના મોબાઈલ ફોનની તપાસ પણ શરૂ કરી હતી.
આરોપીની ધરકપડ બાદ SOGના સિનિયર અધિકારીએ તેમની પૂછપરછ શરૂ કરી હતી. જેમની કોલ-ડિટેઇલમાં સેંકડો નંબર નીકળ્યા, જે અંગે આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તે ગોવામાં હાઈપ્રોફાઈલ સેક્સવર્કર સપ્લાય કરતાં કરતાં અમદાવાદ આવ્યો હતો. અમદાવાદમાં પણ મોટા ગજાના વેપારી અને બિલ્ડરને એસ્કોર્ટ ગર્લ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. જ્યાં તેને કોર્લગર્લની સાથે પૈસાદાર લોકોને સેક્સ પાવર માટે ડ્રગ્સની ઓફર કરતો હતો, જેથી શ્રીમંતો કોલગર્લની સાથે સાથે સેક્સ પાવર માટે ડ્રગ્સ પણ મગાવતા થઈ ગયા.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પેડલર પ્રતાપસિંહે અમદાવાદના નરોડા નજીક આવેલા ફાર્મ હાઉસના માલિક અને બિલ્ડરને યુવતી તથા ડ્રગ્સ સપ્લાય કર્યાં હતાં. તેની સાથે આ બિલ્ડરને કેટલાક મિત્રોએ પણ બ્લેકમેઇલ કરી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું ચર્ચાઈ જાણવા મળી રહ્યું છે. બિલ્ડરની પાર્ટીમાં અનેક લોકોએ શબાબ અને ડ્રગ્સની મજા માણી હતી. અમદાવાદમાં આ પ્રકારે ગોવાથી હાઇપ્રોફાઈલ એસ્કોર્ટ ગર્લ અને અન્ય રાજ્યમાંથી લાવવામાં આવેલું ડ્રગ્સ બન્ને સપ્લાય કરવાનું શરૂ થઈ ગયું હતું. આ ડ્રગ્સ અને સેક્સનું કોમ્બિનેશન પેડલર માટે અનેક વેપારીઓ પાસેથી રુપિયા છાપવાનું મશીન થઈ ગયું.