અમદાવાદ શહેરમાં ઈગ્લીંશ દારુની રેલમછેલ થતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે અસલાલી દારુ કાંડમાં એક સાથે બે PSI સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તાજેતરમાં ઝડપાયે લાખોના દારુ કેસની તપાસમાં મોટો ઘટસ્ફોટ થતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્ધારા બે પીએસઆઈ સામે સસ્પેન્ડના પગલા ભરવામાં આવ્યા છે. તો બીજી તરફ આ કાર્યવાહીના લીધે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
આ અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદના અસલાલી રિંગરોડ નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલે ૩૧ ડિસેમ્બર પહેલા કાપડના રો મટિરિયલની અંદર છુપાવીને લવાતો ૧૭.૫૦ લાખનો દારુ સહિત ૪૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. દારુનો જથ્થો જે તે સ્થળે પહોંચે તે પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલે ખેલ પાડી દેતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. આ કેસમાં આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ દીશામાં તપાસ પણ શરુ કરી દેવાઈ હતી.
https://www.facebook.com/LokPatrika1/videos/720824385987215/
ઈગ્લીંશ દારુની હેરાફેરીના સમગ્ર પ્રકરણમાં આખરે જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંગ યાદવે અસલાલી પોલીસ સ્ટેશનના બે પીએસઆઈને સસ્પેન્ડ કરી દીધા છે. પીએસઆઈ જગદીશ ચાવડા અને જે.એચ. વાઘેલાની બેદરકારી હતી કે, તેમની બુટલેગરો સાથે મિલીભગત હતી. હવે તેની તપાસ કરવામાં આવશે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ માલ બુટલેગર બંસી મારવાડીનો હતો. હાલ પોલીસ વિભાગ દ્ધારા વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. આ તપાસમાં હજુ અનેકના પગ નીચે રેલો આવવાની શક્યતાઓ પણ વધુ જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના રિંગરોડને અડીને આવેલા વિસ્તારોમાં ઈગ્લીંશ અને દેશી દારુનું નેટવર્ક ચાલતું હોવાની પણ ચર્ચાઓ છે. આ અંગે અગાઉ અનેક વખત સ્થાનિક મીડિયામાં પણ અહેવાલો પ્રસિદ્ધ થયેલ છે. આ ઉપરાંત થોકબંધ રજુઆતો તેમજ અગાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આંકડાઓ ઉપર નજર કરવામાં આવે તો શું ચાલી રહ્યું છે તે સામે આવી શકે તેમ છે. આ અંગે જાગૃત નાગરિકો એવું પણ જણાવી રહ્યા છે કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ સિવિલ ડ્રેસમાં જે તે વિસ્તારોની મુલાકાત લે તો ઈગ્લીંશ અને દેશી દારુના વેચાણનો મોટું નેટવર્ક સામે આવી શકે તેમ છે.