કહેવામાં આવી રહ્યું છે કે ચીનમાં આગામી કેટલાક મહિનામાં 800 મિલિયન લોકો એટલે કે 80 કરોડ લોકો કોરોના સંક્રમિત થઈ શકે છે. લંડન સ્થિત ગ્લોબલ હેલ્થ ઈન્ટેલિજન્સ કંપની એરફિનિટીએ જણાવ્યું હતું કે ચીનમાં ઝીરો કોવિડ પોલિસીના અંત પછી 2.1 મિલિયન એટલે કે 21 લાખ લોકોના મોત થઈ શકે છે. એરફિનિટીએ આનું કારણ ચીનમાં ઓછી રસીકરણ અને એન્ટિબોડીઝના અભાવને આભારી છે. એ વચ્ચે જ ગુજરાતીઓ માટે પણ ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે.
ગુજરાતમાં હાલ કોરોનાના કુલ 23 એક્ટિવ કેસ છે. જેથી ગુજરાતમાં ફરીથી કોરોના કેસે ચિંતા વધારી છે. અમદાવાદમાં કોરોનાના નવા 2 કેસ, રાજકોટમાં કોરોનાના નવા 2 કેસ અને બનાસકાંઠામાં કોરોનાનો 1 કેસ નોંધાયો છે. કોરોનાથી ડરવાની નહીં પણ સાવચેતીની જરૂર છે. લોકોએ ફરીથી માસ્ક પહેરવાનું શરૂ કરી દેવુ જોઈએ. ભીડવાળી જગ્યા પર માસ્ક પહેરવાની સૂચના સરકાર દ્વારા આપી દેવાઈ છે. જેમા જણાવાયુ કે, કોરોનાના લક્ષણ દેખાય તો તાત્કાલિક ટેસ્ટ કરવો.
અસારવા સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલની આરોગ્યની ટીમ એલર્ટ મોડ પર જ રાખવામાં આવી છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં વ્યવસ્થા છે જ આ ઉપરાંત ICUની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા પણ કરાઈ છે.
ચીનમાં સંક્રમણની સ્થિતિ 2020ની યાદ અપાવે છે. હોસ્પિટલોમાં તમામ પથારીઓ ભરાઈ ગઈ છે. મેડિકલ સ્ટોર્સમાં દવાઓ ખતમ થઈ રહી છે. દર્દીઓ સારવાર માટે ડૉક્ટરની સામે ભીખ માગતા જોઈ શકાય છે. જ્યારે બાળકોને તાવ આવે છે, ત્યારે માતાઓ તેમને બટાકાથી તાવ ઉતારવાનો પ્રયાસ કરી રહી છે. બેઇજિંગના સૌથી મોટા સ્મશાનગૃહમાં 24 કલાક અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. સામૂહિક અંતિમ સંસ્કાર શરૂ થઈ ગયા છે અને તેમની તસવીરો પણ આવી રહી છે. જો કે, કોરોનાથી મૃત્યુના સત્તાવાર આંકડા દરરોજ માત્ર 5-10 જ જણાવવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોનો દાવો છે કે વાસ્તવિક આંકડો ઘણો વધારે છે.
ઉલ્લેખનીય છે કે એક નવું વેરિઅન્ટ BA.5.2.1.7 એટલે કે BF.7 પણ મળી આવ્યું છે. નિષ્ણાતોના મતે, આ ઓમિક્રોનનું સૌથી ખતરનાક પરિવર્તન છે. એક દર્દી 18 લોકોને ચેપ લગાવી રહ્યો છે. Worldometers.infoના ડેટા અનુસાર, વિશ્વમાં એક સપ્તાહમાં કોરોનાના 34 લાખ 84 હજાર કેસ નોંધાયા છે. ત્યાં 9 હજાર 928 લોકોના મોત થયા છે. ચીનમાં 7 દિવસમાં 15 હજાર 548 કેસ અને 7 લોકોના મોત થયા છે. જોકે, નિષ્ણાતોને શંકા છે કે સાચો આંકડો છુપાવવામાં આવી રહ્યો છે. દર્દીઓની સંખ્યા અનેક ગણી વધી શકે છે. જાપાન, દક્ષિણ કોરિયા અને ફ્રાંસમાં એક સપ્તાહમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આ દેશોમાં દર્દીઓની સંખ્યા 10 લાખ 65 હજાર, 4 લાખ 61 હજાર અને 3 લાખ 58 હજાર છે. ભારતમાં 7 દિવસમાં 1,081 કેસ નોંધાયા છે.