કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદની વૈશ્વિક ઓળખ એવા ગાંધીઆશ્રમના ડેવલપમેન્ટ માટે ૧૨૪૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આશ્રમના આદર્શો અને ગરીમાના તત્વોને જાળવી રાખી સમગ્ર વિસ્તારને આધુનિક લૂક આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. ૫૭ એકર જમીનમાં આશ્રમનું રિડેવલપમેન્ટ થઇ રહ્યું છે. અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમના રિડેલપમેન્ટ પ્રોજેક્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર આગળ વધી રહી છે. આ પ્રોજેક્ટ ત્રણ વર્ષે પૂર્ણ થાય તેવી શક્યતા જાેવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટ પાછળ ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે જે પૈકી મોટાભાગનો ખર્ચ પરિવારોના વિસ્થાપિતો માટે કરવામાં આવ્યો છે. સાબરમતી આશ્રમની આસપાસ ૨૭૫ જેટલા પરિવારો રહેતા હતા જે પૈકી ૧૭૦ પરિવારોએ અન્ય વિકલ્પ સ્વીકાર્યા છે. આ પરિવારોના મકાન કે જે વર્ષોથી ટ્રસ્ટના ભાડે ચાલતા હતા તેમને રોકડ રકમના ચેક અથવા જ્યાં મકાન કે ફ્લેટ ખરીદે તેની રકમ ચૂકવવામાં આવી છે. આ વિસ્તારમાં જે મકાન ખાલી થયાં છે ત્યાં હોટલ આશ્રય પાસે ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
આશ્રમ પાસે આવેલી ગૌશાળા અને અન્ય જગ્યાએ ખેતરો છે ત્યાં રાણીપ બ્રીજ પાસે નવું બાંધકામ શરૂ કરાશે. આ કામગીરી પાછળ ૨૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. મહત્વની બાબત એવી છે કે આશ્રમ પાસે ૧૯૪૭ પહેલાની જે ઇમારતો છે તેને યથાવત રાખી હેરીટેજ રિસ્ટોરેશન કરાશે. સાબરમતી આશ્રમ ટ્રસ્ટની પાંચ ઓફિસો છે તેને પણ શિફ્ટ કરવામાં આવી રહી છે. આ ઓફિસોમાં હરિજન આશ્રમ ટ્રસ્ટ, ખાદી ગ્રામોદ્યોગ મંડળ, ખાદી ગ્રામોદ્યોગપ્રયોગ સમિતિ, સાબરમતી ગૌશાળા ટ્રસ્ટ, સ્કૂલ, પીટીસી સ્કૂલ અને કન્યા છાત્રાલયનો સમાવેશ થાય છે.
આશ્રમને ડેવલપ કરવા માટે બિમલ પટેલને કામગીરી સોંપવામાં આવી છે કે જેમણે દિલ્હીના પાર્લામેન્ટ હાઉસ અને વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવના નવસર્જનની ડિઝાઇન બનાવી છે. સૂત્રો કહે છે કે ગાંધીજીના અનુયાયીઓ અને ગાંધીવાદીની સલાહ સૂચન પ્રમાણે વિકાસ કાર્યો કરવામાં આવશે. આ કાર્યોમાં ફાઇવસ્ટાર હોટલ નહીં બને કે જેથી ગાંધીજીના વિચારોને હાનિ પહોંચી શકે. વિશ્વસ્તરના પ્રવાસીઓને આકર્ષવા માટેની તમામ આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. અંગ્રેજાે સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આશ્રમની સ્થાપના ૧૭મી જૂન ૧૯૧૭માં શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમમાં મહાત્મા ગાંધીજીએ કરી હતી.
જ્યારે ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ ૧૦મી મે ૧૯૬૩માં બનાવવામાં આવ્યું હતું. ગાંધીજી સાંજના સમયે સાબરમતી નદીના કિનારે બેસીને પ્રાર્થના કરતા હતા. મીઠાના સત્યાગ્રહ માટે તેમણે આશ્રમથી દાંડીકૂચની શરૂઆત કરી હતી. આશ્રમમાં ‘મારું જીવન એ જ મારો સંદેશ’ ગેલેરી, કે જેમાં ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતા ભવ્ય કદના આઠ પેઈન્ટિંગ્સ અને ૨૫૦ કરતાં પણ વધારે તસવીરો સામેલ છે. આ આશ્રમમાં વર્ષે સાત લાખ મુલાકાતી આવે છે જે આંકડો રિડેવલપમેન્ટ પછી ૫૦ થી ૭૦ લાખ સુધી લઇ જવાનો લક્ષ્યાંક નિશ્ચિત કરવામાં આવ્યો છે. આશ્રમમાં ગાંધીજી ૧૯૧૭ થી ૧૯૩૦ સુધી રહ્યાં હતા. ગાંધીઆશ્રમના મૂળ સ્થાપિત ચાર્લ્સ કોરિયા હતા.