“પ્રમુખ સેતુ”
લેખક: સાધુ કૌશલમૂર્તિ દાસ
પુષ્પ પોતાની સુવાસ કોઈને આપે અને કોઇકને ન આપે એવું ક્યારેય નથી થતું. તે પોતાના સંસર્ગમાં આવનાર પ્રત્યેકને સુવાસિત કરે છે. સરિતા કોઈપણ પ્રકારના ભેદભાવ વગર જીવ-પ્રાણીમાત્રનું પોષણ કરે છે. ચંદન પોતે ઘસાઈને અન્યને શાતા આપે છે. તેમ મહાપુરુષો પોતે ઘસાઈને અન્યના જીવનને શીતળતા અર્પે છે, સુવાસિત કરે છે અને પોષણ કરે છે. તેમની સહાયતાનો હાથ દરેકને મળે છે. તેમની કરુણાગંગાથી કોઈ વંચિત નથી રહેતું. જીવ-પ્રાણીમાત્ર તેમાં ભીંજાય છે.
રામચરિતમાનસમાં સંતકવિ તુલસીદાસજી લખે છે કે,
संत हृदय नवनीत समाना, परदुःख द्रवै सो संत पुनीता ।
અર્થાત્, સંતનું હૃદય માખણ જેવું નરમ અને કોમળ છે. જેમ માખણને અગ્નિનો સ્પર્શ થતાં તત્કાળ ઓગળવા લાગે છે તેમ મહાપુરુષો જીવ-પ્રાણીમાત્રનું (અન્યનું) દુઃખ જોઈ તત્ક્ષણ દ્રવિત થઈ જાય છે. તેમનાં હૃદયકુંડમાંથી સહજમાં કરુણાનો ધોધ વહેવા લાગે છે.
એકવાર એકનાથ રસ્તામાંથી પસાર થતા હતા ત્યારે એક બાળક ઘરનો રસ્તો શોધતો, અટવાતો અને ઉનાળાની ગરમ થયેલી રેતીથી દાઝતો, રડતો આમતેમ ફરતો નજરે પડ્યો. એકનાથના હૃદયમાંથી કરુણાની કંપારી છૂટી ગઈ. તેમણે ચીંથરેહાલ બાળકને ઊંચકી લીધો. ઘર પૂછતા દલિતવાસનો જણાયો. પ્રેમથી તેઓ તેને તેના ઘર સુધી મૂકી આવ્યા. આ પ્રસંગથી કેટલાક લોકો ખૂબ ગુસ્સે થયા. એકનાથને પ્રાયશ્ચિત્ત કરવા તથા શુદ્ધ થવા ગોદાવરીમાં સ્નાનની આજ્ઞા થઈ. એકનાથ ગોદાવરીના કિનારે પહોંચ્યા ત્યારે ત્યાં એક રક્તપિત્તિયો તેમને મળ્યો. તેણે કહ્યું : ‘તમે બાળકને રેતીમાંથી તપતું બચાવ્યું તેનું પુણ્ય મને આપી મારો સ્પર્શ કરો. મને આશા છે કે તેથી મારો રોગ દૂર થશે. એકનાથે તે પુણ્ય અર્પણનો સંકલ્પ કરી રોગી પર જળ છાંટ્યું. ખરેખર ! તેનો રોગ ગયો. જે કાર્યનું પાર્યશ્ચિત્ત કરવા એકનાથને દંડ થયો તેનું આવું મોટું ફળ જોઈ દંડ દેનારા શરમાઈ ગયા અને એકનાથને નમી પડ્યા.
ખરેખર કવિ બાણભટ્ટ સાચું કહે છે કે
अनपेक्षितगुणदोषः परोपकारः सतां व्यसनम्।
અર્થાત્ કોઈના પણ ગુણ-દોષ તરફ ધ્યાન આપ્યા વિના પરોપકાર કરવો એ મહાન પુરુષોનું એક વ્યસન જ છે. અને તેમની વિશેષતા જ એ છે કે તેઓ કોઈની પણ પીડા ક્યારેય જોઈ શકતા નથી. અને જ્યારે કોઈને દુઃખી જુએ ત્યારે તેમની આંખોમાંથી કરુણા વહી જાય છે.
૨૬ જાન્યુઆરી ૨૦૦૧નો દિવસ ગુજરાતની ધરતી માટે સાક્ષાત્ કાળ સમાન પુરવાર થયો હતો. છેલ્લાં દોઢસો વર્ષોમાં ક્યારેય ન અનુભવ્યો હોય એવા વિનાશક ધરતીકંપે ગુજરાતના જનજીવનને વેરવિખેર કરી નાંખ્યું. હજારોનાં પ્રાણપંખેરું ક્ષણમાં ઊડી ગયાં. હજારો લોકો પળમાં બેઘર બની ગયા. અનેક લોકો ઘડીમાં હાથ-પગ વિહોણાં થઈ ગયાં. કરોડો લોકો ભયના ઓથાર નીચે ફફડતાં પારેવડાંની જેમ કાંપતાં થઈ ગયાં. કુદરતની આ વિનાશલીલા સામે માણસ ભલે વામણો પુરવાર થયો પરંતુ માનવતા મુઠ્ઠી ઊંચેરી નીવડી.
ભૂકંપની ધ્રુજારીઓ ગુજરાતના જનજીવનને છિન્ન-ભિન્ન કરતી ગઈ ત્યારે કચ્છ-સૌરાષ્ટ્રના લાખો અસરગ્રસ્તોને કદાચ એ ખબર નહોતી કે એમની ચિંતામાં એક ૮૧ વર્ષીય મહાપુરુષ દિવસ-રાત એક કરી રહ્યા છે. ભૂકંપની પ્રથમ ક્ષણોથી જ પોતાના ઇષ્ટને પ્રાર્થના કરીને શીઘ્ર ભૂકંપગ્રસ્તોની સેવા-સંભાળમાં જોડાઈ જનાર પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની કરુણાગંગા અનેક પીડિતો સુધી વહેવા લાગી હતી. બી.એ.પી.એસ. સંસ્થાનું આયોજનબદ્ધ તંત્ર કાર્યરત થઈ ગયું. કોઈને કલ્પના પણ ન હતી કે પળ-બે પળમાં નોધારાં બની જનારાં કમનસીબોને આવો હૂંફાળો આધાર મળી જશે. ખરેખર, માનવતાના દેવદૂતો સમા સંતો અને સ્વયંસેવકોએ હજારો લોકાનાં આંસુ લૂછ્યાં અને એમના ભાંગી પડેલા જીવનમાં નવજીવનનો શ્વાસ ફૂંકી આપ્યો.
ભૂકંપથી આઘાતમૂઢ સમાજ પરિસ્થિતિને સમજવા હજુ તો સજ્જ પણ નહોતો થયો ત્યારે તે જ દિવસે બપોરે ભોજનનો પહેલો ગરમ ગરમ કોળિયો બી.એ.પી.એસ. સંસ્થાએ પહોંચાડ્યો હતો.
ખરેખર, જેના હૃદયમાં જીવપ્રાણીમાત્ર પ્રત્યે સાચો પ્રેમ હોય તેના જ હૈયેથી કરુણાની ગંગા વહે છે. બીજાની પીડાથી પીગળી જવું અને તેમને દુઃખ-પીડાથી મુક્ત કરવા વ્યાકુળ થઈ જવું એ પ્રમુખસ્વામી મહારાજ માટે શ્વાસોચ્છ્વાસ જેવી સહજ બાબત હતી.
તેમના કરુણાભીના વ્યક્તિત્વને નિરૂપતાં છેલ્લા પાંચ-પાંચ દાયકાના અનેક પ્રસંગો નજર સમક્ષ તરવરે છે. દુષ્કાળ હોય કે પૂર હોનારત, ભૂકંપ હોય કે ત્સુનામી દુર્ઘટના, વ્યસનમુક્તિ હોય કે માંસાહારમુક્તિ, પારિવારિક કલહ હોય કે સામાજિક દાવાનળ, અરે ! સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં આવતી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓમાં પૂ. પ્રમુખસ્વામી મહારાજ સૌપ્રથમ લોકદુઃખમાં ભાગીદાર બન્યા છે. અસરગ્રસ્તોની સેવામાં હજારો સ્વયંસેવકોને જાગ્રત કરીને, તેમણે વૃદ્ધ વયે પણ સેવાનાં વિરાટ કાર્યોના બોજ ઊંચક્યા છે.
મહાભારતમાં ભગવાન વેદવ્યાસ સંતનું લક્ષણ વર્ણવતાં કહે છે : ‘दयावन्तः सन्तः करुणवेदिनः’
અર્થાત્ સંત દયાવાન અને કરુણાપૂર્ણ હોય છે. શ્રીમદ્ ભાગવત પુરાણનો એકાદશ સ્કંધ સંતનાં લક્ષણોમાં ‘કૃપાળુતા’ એટલે કે કરુણાને સર્વપ્રથમ ક્રમે મૂકે છે.
સતત અને અવિરત પરહિત માટે જ જેમની નસોમાં લોહી દોડે છે, એ મહાનુભાવ દેહાતીત છે. જે દેહાતીત છે, દેહભાવથી પર છે તે જ બીજાની સર્વોત્તમ પરવાહ કરી શકે છે. તે જ વિચારી શકે, તે જ ઉચ્ચારી શકે અને તે જ આચરી શકે : ‘બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે, બીજાના ભલામાં આપણું ભલું છે.’