અતિ સુરક્ષિત કહેવાતા અમદાવાદ શહેરમાં ખુદ પોલીસ તંત્ર જ અસુરક્ષિત હોવાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આગની જેમ વાઈરલ થઈ રહેલા આ વીડિયામાં બુટલેગરો હથિયારો સાથે પોલીસને દોડાવી દોડાવીને માર મારતા હોવાનું દેખાઈ રહ્યું છે. અતિ ગંભીર કહી શકાય તેવા આ બનાવના સમગ્ર રાજ્યમાં પડઘા પડી રહ્યા છે. એક તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દારૂના અડ્ડા બંધ કરાવાની વાતો કરી રહ્યા છે. અને બીજી બાજુ બુટલેગરો સરાજાહેર પોલીસની આબરૂ લુંટી રહ્યા છે. જે વાત સમગ્ર વીડિયો સામે આવતા સાબિત થઈ છે. હાલ વાઈરલ થયેલા વીડિયોની વાત કરીએ તો, આ વીડિયો અમદાવાદના નરોડા વિસ્તારોનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમદાવાદ શહેરમાં બિહાર જેવા દશ્યો જાેવા મળતા સરકાર સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જે પોલીસ કર્મચારી ઉપર હુમલો થયો છે તે પોલીસકર્મીઓ નવરંગપુરા અને નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. આ બન્ને પોલીસ કર્મચારીઓ આરોપીઓને પકડવા માટે ત્યા ગયા હોવાનું સામે આવી રહ્યું છે. આ દરમિયાન ત્યા હાજર બુટલેગરો અને તેના સાગરીતોએ આ બન્ને પોલીસ કર્મચારી ઉપર હથિયારોથી હુમલો કર્યો છે. આ સમગ્ર બનાવ દરમિયાન કોઈ શખસે વીડિયો બનાવી લીધો હતો. જે વીડિયો આજે દરેક મોબાઈલમાં વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બુટલેગરો દ્વારા લોંખડના હથોડા જેવા હથિયારોથી પોલીસને માર માર્યો હતો. એટલુ જ નહીં રસ્તા ઉપર દોડતી વખતે પોલીસ કર્મી નીચે પડી ગયો હોવા છતા પણ તેને માર મારવાનું શરૂ રખાયું હતુ. પોલીસ કર્મીઓ ભાગી રહ્યા હતા ત્યારે તે એક્ટીવા ઉપર બેસવા જઈ રહ્યા હતા તે સમયે પણ તેને માર માર્યો હતો. સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જગાડનાર આ વીડિયો મામલે ગાંધીનગરથી તપાસ થવી જાેઈએ તેવી પણ માગ ઉઠી રહી છે.
સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે શુ પગલા ભર્યા ?
શું હક્કિતમાં પોલીસ આરોપીઓને પકડવા ગઈ હતી ?
કે પછી પોલીસ કર્મીઓ દારૂ અથવા હપ્તા લેવા માટે પહોંચ્યા હતા ?
પોલીસ ઉપર હુમલો કરવાની બુટલેગરો પાસે તાકાત ક્યાથી આવી ?
આ બુટલેગરો કોને કોને પહોંચાડી રહ્યા છે હપ્તા ?
આવા અનેક સવાલો હાલ લોકોના મનમાં ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે જાેવાનું એ રહ્યું કે, સરાજાહેરમાં પોલીસની આબરૂ લૂંટનારા બુટલેગરો સામે પગલા ભરાશે કે પછી હંમેશાની જેમ ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જશે….