કોવિડ-૧૯ના કેસ વધતા હવે સ્કૂલો ફરી એકવાર ઓનલાઈન ક્લાસનો વિકલ્પ પસંદ કરી રહી છે. તેમાંથી મોટાભાગની સ્કૂલો સાબરમતી નદીના પશ્ચિમ ભાગમાં આવેલી છે. છેલ્લા બે દિવસમાં, વધુ કેટલીક સ્કૂલોએ પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. મેમનગરમાં આવેલી એચબીકે સ્કૂલે ધોરણ ૧થી ૮ માટે ઓનલાઈન મોડની જાહેરાત કરી હતી, જ્યારે સત્વ વિકાસ સ્કૂલે ધોરણ ૧થી ૧૨ અને સંત કબીર સ્કૂલે હાલમાં જ ધોરણ ૧થી ૬ માટે ઓનલાઈન ક્લાસ પર પસંદગી ઉતારી હતી.
શહેરમાં આવેલી ત્રિપદા સ્કૂલના ટ્રસ્ટી અર્ચિત ભટ્ટે પણ રવિવારે ધોરણ ૧થી ૫ માટે ઓનલાઈન ક્લાસની જાહેરાત કરી હતી. સત્વ વિકાસ સ્કૂલના ટ્રસ્ટી રાજા પાઠકે જણાવ્યું હતું કે, અમે ધોરણ ૧થી ૧૨ માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ એક સભાન ર્નિણય હતો કારણ કે અમારામાં તેમજ માતા-પિતામાં પણ મહામારી વિશે આશંકાઓ વધતી જતી હતી.
પાઠકે કહ્યું હતું કે, પાંચમી જાન્યુઆરીથી સ્કૂલ બાળકો માટે રસીકરણનું આયોજન કરવાની છે. ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, પ્રકાશ હાઈ સ્કૂલ, રચના સ્કૂલે પણ શુક્રવારે જ પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસની જાહેરાત આપી હતી. આ સ્કૂલોમાં ઓફલાઈન ક્લાસમાં હાજરી ઘટીને માત્ર ૨૦ ટકા થઈ હતી.
સીએન વિદ્યાલયે સોમવારથી ઓનલાઈન અભ્યાસનો ર્નિણય લીધો હતો. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, શહેરભરમાં આશરે ૪૫ વિદ્યાર્થીઓનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે રાજ્યભરમાં બાળકો અને શિક્ષકો સંક્રમિત થયા હોય તેવા ૨૦૦ કેસ છે. સુરત જેવા શહેરોમાં સ્કૂલોમાં કોવિડ સંક્રમિત બાળકો અને શિક્ષકોના ૯૦ કેસ નોંધાયા હતા.