રાજ્યમાં વરસાદના ત્રીજાે રાઉન્ડને લઈને ભારે વરસાદની અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને આજે અમદાવાદમાં પણ બપોર બાદ વતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. બોડકદેવ, સેટેલાઇટ, એસ.જી હાઇવે, સરખેજ, સનાથલ, શાંતિપુરા, બાકરોલ સહીતના વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેને લઈને લોકોને બફારામાંથી રાહત મળી હતી.
વધુમાં અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે પવન પણ ત્રાટકતા મીની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સાંજે પાંચ વાગ્યા બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. ત્યારબાદ તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જાેકે વાતાવરણમાં પલટો આવતા ઘણા લોકો ભિંજાવા પણ નીકળ્યા હતા. પરંતુ તોફાની પવન સાથે વરસાદને પગલે રોડ પર ધુમ્મસ જેવુ વાતાવરણ ઊભું થતાં વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવાની નોબત આવી હતી. તો અમુક જગ્યાએ રોડ પર ટ્રાફિક જામ પણ થયા હતા.
હવામાન વિભાગ દ્વારા ફરી ગાજવીજ અને વાવાઝોડા સાથે ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તેની અસર જાેવા મળશે. બંગાળની ખાડીમાં સર્જાયેલી વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં પહોંચી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર ઉપર એક નવી લો-પ્રેશર સિસ્ટમ બની છે. આ બંને સિસ્ટમના કારણે આજે રાજ્યભરમાં વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. મહત્વનું છે કે કચ્છ, દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, અરવલ્લી, રાજકોટ, જામનગર, દ્વારકા, સુરત, તાપી, નવસારી, ડાંગ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.