ટાઈગર અભી જિંદા હૈ આ ડાયલોગ બોલો એટલે ઈસુદાન ગઢવી યાદ આવી જાય. ત્યારે હવે ફરીથી ઈશુદાને આ ડાયલોગ બોલ્યો છે કે-ટાઈગર અભી જિંદા હૈ, અમે હવે બમણા જોરથી લડીશું. આપમાં આગ છે ગુજરાતની જનતા માટે લડવાની. હાલમાં આમ આદમી પાર્ટીમાંથી એક પછી એક જે રીતે મોટા નેતાઓ ભાજપમાં જોડાવા લાગ્યા છે એને લઈને આપ નેતા ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે ઈસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી પર ખૂબ ગંભીર આરોપ લગાવ્યા છે અને આ દરમિયાન તેઓ ભાવુક પણ થઈ ગયા હતા.
પોતાનો મત ગુજરાતની જનતા સામે રાખતા તેઓએ કહ્યું કે-અમે માત્ર કામની રાજનીતિ જ કરીએ છીએ અને અમને રાજનીતિ આવડતી પણ નથી. અમારી લડાઈ બીજી આઝાદી અને સ્વરાજની છે. ગઢવીએ કહ્યું કે-મારા પર ખરાબ અને ખોટા આરોપ લગાવવામાં આવ્યા હતા. આ વાત કરતાં કરતાં ઈસુદાન ગઢવી રડી પડ્યા હતા અને માહોલ એકદમ ભાવુક થઈ ગયો હતો. સાથે જ ઈશુદાન ગઢવીએ ગોપાલ ઈટાલિયા સાથેના વિવાદ વિશે પણ વાત કરી હતી કે એ ખાલી વાતો છે, આવા કોઈ વિવાદ નથી. મારી પાસે એવું શું છે કે વિવાદ થાય? પાટીલને વિજય રૂપાણી સાથે નહોતું ફાવતું એટલે એમને બેસાડી દીધા. વિવાદ તો એમને અંદરો અંદર થાય છે.
ઈસુદાન ગઢવીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે- મારા પર ED અને IT ન પહોંચાડી શક્યા એટલે ખોટા કેસ કર્યા. હું મા મોગલના સોગંધ ખાઈને કહું છું કે મેં દારૂ નહોતો પીધો. સાથે જ ગઢવીએ કહ્યું-પાટીલ ભાઉ લખીને રાખજો ગુજરાતની જનતા સહાનુભૂતિથી અમને મત આપશે. અમે મરીશું ત્યાં સુધી લડીશું અને બીજા લોકોને અમે જોડીશું. AAP ક્યારેય તૂટે નહીં, અમે તો ક્રાંતિ કરવા માટે આવ્યા છીએ. સાથે જ BJPને ચેલેન્જ મારતા કહ્યું કે-હું તો એમ કહું છું કે ભાજપ અમારા જેવી પાંચ પોલિસીઑ કરવામાં આવે તો હું રાજનીતિ છોડવા માટે તૈયાર છું. મારે પાટીલ ભાઉથી કહેવું છે કે કુદરતથી ડરો, સિકંદર પણ ખાલી હાથે ગયો હતો.