આવકવેરા વિભાગ દ્વારા રાજ્યના ૪૦ જેટલા સ્થળોએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં એશિયન ગ્રેનિટો નામના ભારતના ટોચના ટાઈલ્સ ઉત્પાદકના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિ. કંપની પર આવકવેરા વિભાગના દરોડાની સાથે સાથે કંપનીના વડોદરા, હિંમતનગર ખાતેના ઘર અને ફેક્ટરી સહિતના સ્થળોએ પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સાથે જ રાજ્યના કુલ ૩૫થી ૪૦ સ્થળોએ આવકવેરા વિભાગના કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આવકવેરા વિભાગે પોલીસના મોટા કાફલા સાથે મળીને આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગના ૨૦૦ અધિકારીઓ આ તપાસમાં જાેડાયા છે. કમલેશ પટેલની માલિકીની શેર માર્કેટમાં લિસ્ટેડ એવી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિ. દેશની સૌથી મોટી ટાઈલ્સ અને બાથવેર સોલ્યુશન ઉત્પાદક કંપનીઓ પૈકીની એક છે.
કંપનીના તમામ ભાગીદારોના ત્યાં તથા મોરબી ખાતેના જાેઈન્ટ વેન્ચરમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તે સિવાય એક રિયલ એસ્ટેટ ફર્મ ખાતે તથા રાજકારણી સાથે નિકટતા ધરાવતી એક મહિલાના ઘરે દરોડો પાડવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન કરચોરીનો મોટો આંકડો સામે આવે તેવી શક્યતા જણાઈ રહી છે.