અમદાવાદ શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કે જેમાં એક પત્ની અને તેના દીકરાના અત્યાચારના કારણે પતિ એવા પિતાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. જે મામલે મૃતકના પિતાએ તેમની જ પુત્રવધુ અને પૌત્ર સામે પોલીસ ફરિયાદ કરતા એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. સામાન્ય રીતે પતિ પત્ની વચ્ચેના તકરાર અને ઝઘડાઓ થતા હોય છે. તો આ પ્રકારની ઘટનામાં લાગી આવતા પત્ની ક્યારેક જીવન ટૂંકાવી દેતી હોવાની ઘટના સામે આવતી હોય છે.
ભારતમા સ્ત્રી અત્યાચારના કિસ્સા ગલીએ ગલીએ છે, પણ પુરુષ અત્યાચારના કેસ જ્વેલ્લે જ બનતા હોય છે. પણ અમદાવાદમાં સરદારનગર વિસ્તારમાં એક પત્ની અને તેના પુત્રના ત્રાસના કારણે પતિ એવા પિતાએ જીવન ટૂંકાવ્યુ છે. જે ઘટનામાં મૃતકના પિતાએ પુત્રવધૂ અને તેના જ પૌત્ર સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. ફરિયાદમાં સસરાએ પુત્રવધુ અને તેના પૌત્ર પર પુત્રને આપઘાત કરવા પ્રેરવા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. જેમાં મૃતકના પિતાનો આક્ષેપ છે કે, પુત્રવધુ અને પૌત્ર તેમના નામે દુકાન અને મકાન કરાવવા માટે દબાણ કરતા હતા.
પતિ પાસે વાસણ ધોવડાવવા સહિતના કામ કરાવતા. તો વધુમાં પુત્ર તેના પિતાને મળે તો ‘કેમ મળવા ગયો’ તેમ કહી લાફા પણ મારતો અને ઘરથી બહાર કાઢી મૂકતો હતો. જેથી કંટાળીને પતિ જગદીશ રામસિંધાનીએ સાબરમતી નદીમાં કુદી પોતાનું જીવન ટૂંકાવ્યું. જેથી સસરાએ તેની પુત્રવધુ અને પૌત્ર સામે પોલીસ ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે. ફરિયાદ અંગે વાત કરીએ, તો સરદારનગરમાં રહેતા જગદીશ રામસિંધાની સાથે વિનાબેનના લગ્ન ૧૯૯૮ના વર્ષે થયા હતા. લગ્ન બાદ તેઓને દિનેશ નામનો પુત્ર થયો હતો, જે આજે ૨૦ વર્ષનો છે. લગ્ન બાદ પરિવાર અલગ રહેતો અને તેમનું જીવન સુખમય ચાલતું.
પણ થોડા વર્ષથી પરિવારમાં કકળાટ શરૂ થયો. ૨૦૧૯ ના વર્ષથી પત્ની તેના પતિ અને સસરાને મકાન અને દુકાન તેના નામે કરવાનું દબાણ કરતી. જાેકે સસરાએ મકાન તેના પુત્રના નામે કર્યું. બાદમાં પણ પત્નીનો ત્રાસ યથાવત રહ્યો. એટલું જ નહિ, પોતાના પતિ પાસે પત્ની ઘરના તમામ કામ કરાવતી. જાેકે તેની જાણ જગદીશના પિતાને ન હતી. પણ જ્યારે જગદીશે તેના પિતાને આ મામલે જાણ કરી અને પતિ ઘરે આવ્યો ત્યારે પત્નીએ દાદાને કેમ જાણ કરી કહીને પતિને લાફા માર્યા.
તો પુત્રએ પણ માતાનો સાથ પૂર્યો. આ ઘટના ૨૦ જાન્યુઆરી બની. તે દિવસે પતિએ પત્નીને લાફો મારી ઘરમાંથી કાઢી મૂક્યો હતો. જેથી જગદીશભાઈ સાબરમતી નદી પર આવેલ ઈન્દિરાબ્રિજ ગયા હતા અને નદીમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતુ. જે બાદ ૨૬ જાન્યુઆરીએ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાદ મૃતકના પિતાએ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે પુત્રવધુ અને પૌત્ર સામે ફરિયાદ કરતા પોલીસે પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. એસીપી જી ડિવીઝનનના વીએન યાદવે જણાવ્યું કે, હાલ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે પિતાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે પુત્રવધુ અને પૌત્રને પણ શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. એક ઘટનાને લઈને એક વ્યક્તિએ તેનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.