Gujarat News: ગુજરાતમાં અવારનવાર કોઇને કોઇ રેસ્ટોરન્ટના જમવામાંથી જીવડા કે ઈયળ નીકળવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. થોડા દિવસો પહેલા જ અમદાવાદમાં એલિસ બ્રિઝ નજીક એક રેસ્ટોરન્ટમાં પિત્ઝામાંથી જીવાત નીકળી હતી. હવે ફરીથી આવો જ એક કિસ્સો અમદાવાદમાં જ સામે આવ્યો છે. આ વખતે સલાડમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. જીવાત નીકળી હોવાના વીડિયો પણ વાયરલ થયો છે.
આ પહેલાં પણ અમદાવાદ અને અનેક શહેરોમાં પિત્ઝામાંથી જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ વખતે વાત છે વસ્ત્રાલની કે જ્યાં આવેલી બ્રિટિશ પિત્ઝા રેસ્ટોરન્ટમાં સલાડમાં ઈયળ નીકળી છે અને હાહાકાર મચી ગયો છે. હાલમાં જેવી જ આ ઘટના બની કે તરત જ ગ્રાહકે હોટલ સંચાલકને જાણ કરી હતી અને હવે આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કેસમાં વિગતો સામે આવી રહી છે કે મોડી રાત્રે એક ગ્રાહક જમવા માટે બ્રિટિશ પિત્ઝામાં ગયો હતો અને કડવો અનુભવ થયો હતો. જેમાં બ્રિટિશ પિત્ઝા રેસ્ટોરન્ટમાં સલાડમાં ઈયળ નીકળતા ગ્રાહક ચોંકી ગયો અને તરત જ ફરિયાદ પણ કરી દીધી હતી. ત્યારે સવાલ એ થાય કે આટલી ઘટનાઓ બને છે છતાં તંત્રના પેટનું પાણી કેમ હલતું નથી!