હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી માવઠું પડવાની આગાહી આપવામાં આવી હતી. જેને કારણે બુધવારે સાંજથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. અમદાવાદમાં પણ સાંજના સમયથી વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 9 તાલુકાઓમાં વરસાદ થયો હતો.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાવરફુલ હોવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે અને કાલે એમ બે દિવસ સુધી ઉત્તર સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી- માળિયા અને કચ્છમાં વરસાદ આવશે. હાલમાં વાતાવરણ બદલાતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને અરવલ્લી, સૌરાષ્ટ્રમાં દ્વારકા અને કચ્છમાં 3 મિ.મિ સુધીનો વરસાદ નોંધાયો છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી કરવામાં આવી છે.
સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીનો પારો 8થી 10 ડીગ્રી વચ્ચે રહે છે, પરંતુ ચાલુ સાલે કમોસમી વરસાદની સ્થિતિ બનતાં સામાન્ય કરતાં ઠંડીનો પારો 10 ડીગ્રીથી વધુ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં બે સુધી દિવસ માવઠાંની આગાહી કરવામાં આવી છે, બુધવારે સાંજના સમયે રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં, જે સતત 5થી 10 મિનિટ સુધી ચાલુ રહ્યાં હતાં, જેને કારણે રોડ-રસ્તા ભીના થઈ ગયા હતા. રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી છે તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડશે. એમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે તેમજ 5 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તથા 5 દિવસ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે.