કોરોનાના કેસમાં તો દરરોજ વધારો થઈ જ રહ્યો છે, પરંતુ ઓમિક્રોનના કેસમાં પણ સતત વધારો થતાં લોકોમાં ચિંતાની સાથે ભયનો માહોલ સર્જાણો છે. રાજ્યમાં જેટલી ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે, તેને જોઈને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એમાની ચોંકાવનારી વાત તો એ છે કેનવા વેરિયન્ટ ઓમિક્રોનની ઝપટે ચડેલા સંક્રમિત લોકોમાં મોટા ભાગનાએ કોરોનાની વેક્સિન પણ લીધેલી છે, જેમાં હવે દર્દીને બાયપેપ પર રાખવામાં આવી રહ્યા છે, જે પણ ચિતાજનક બાબત છે, એટલે વેક્સિન લીધેલા લોકોને પણ દાખલ થવા અને બાયપેપ પર જવાની સ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં તમામ વેક્સિનેટેડ છે. માત્ર એક જ દર્દીને એક ડોઝ લીધેલો છે. એક 74 વર્ષના દર્દી બાયપેપ પર છે, જે ફુલ્લી વેક્સિનેટેડ છે, પણ તેમને અન્ય બીમારીઓ છે, જેમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને થાઈરોઈડ સમાવેશ છે. હાલ સિવિલ હોસ્પિટલમાં આવા દર્દીની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. જો આ પ્રકારે દર્દી આવશે તો આવનારા સમયમાં ગંભીર દર્દીની સંખ્યા પણ વધી શકે છે, જેમાં કો-મોર્બિડ દર્દીઓ હોઇ શકે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ એક સિનિયર સિટિઝન બાયપેપ પર છે, જ્યારે 3 દર્દી વેન્ટિલેટર માસ્ક પર છે, જેમની સારવાર ચાલી રહી છે. કુલ 16 દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 4 ઓમિક્રોન છે, જેમાં 2ના રિપોર્ટ ફાઇનલ થઈ ગયા છે, જ્યારે બે સસ્પેક્ટેડ છે.