કોરોનાની ત્રીજી લહેર હવે શરૂ થઈ ગઈ છે અને કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, કોરોનના વધતાં કેસોને ધ્યાને લઈને લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. હાલ જ અમદાવાદમાં યોજાયેલ સંત સંમેલનમા કોરોનાનો રાફડો ફાટતાં 40 લોકો પોઝિટિવ નોંધાયા હોવાનું સામે આવ્યું હતું, ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં પણ કોરોનાનો પગપેસારો થતાં સરકાર પણ ચિંતામાં મુકાણી છે. હાઇકોર્ટ સ્ટાફના 40થી વધુ કર્મીઓ પોઝિટિવ આવ્યા છે, જ્યારે સરકારી વકીલોની કચેરીમાં પણ 3 વકીલ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ સિવિલના 9 ડોક્ટર સહિત 10 કોરોના પોઝિટિવ આવ્યા છે.
કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે, સરકારે નવી ગાઇડલાઇન્સ પણ જાહેર કરી દીધી છે. સરકારે ત્રીજી લહેર માટે 20 નવાં નિયંત્રણો મૂક્યાં છે, જેમાં રાત્રિ કર્ફ્યૂવાળાં 10 શહેરમાં ત્રણ નિયંત્રણ, જ્યારે રાજ્યના બાકીના વિસ્તારમાં અન્ય 17 નિયંત્રણ છે. 10 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ, દુકાનો-લારી ગલ્લાઓ, હોટલ-રેસ્ટોરાં અને અન્ય વિસ્તારોમાં રાજકીય-સામાજિક કાર્યક્રમો, લગ્ન પ્રસંગ, અંતિમક્રિયા-દફનવિધિ, પબ્લિક તથા પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ, સિનેમા હોલ, જિમ, વોટરપાર્ક-સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરી, ઓડિટોરિયમ-મનોરંજક સ્થળો, જાહેર બાગ બગીચાઓ, ધોરણ 9થી ગ્રેજ્યુએટ સુધીનાં કોચિંગ સેન્ટરો, શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજ, સ્પર્ધાત્મક-ભરતી પરીક્ષાઓ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનાં નિયંત્રણો લાદ્યાં છે.
રાજ્યમાં હવે 5000થી વધુ કોરોનાના કેસો આવવા લાગ્યા છે, નવાં નિયંત્રણો જાહેર કરવાને લઈ 7 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠક બાદ કોરોનાને લગતા નવાં નિયંત્રણો લાગુ કરવામાં આવ્યાં છે. 10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ મૂકવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરી છે.