લોકપત્રિકા બ્યુરો (પાલનપુર): શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકલક્ષી સુવિધાઓ, વિકાસકાર્યો અને ધર્મ-કલા-સંસ્કૃતિનાં પ્રચાર પ્રસાર માટે સમયાંતરે વિવિધ સાહિત્ય પ્રકાશિત કરવામાં આવે છે. તાજેતરમાં અમદાવાદથી પ્રકાશિત થતા અતુલ્ય વારસો સામયિક સાથે સંકલન કરીને ‘અંબાજી વિશેષાંક’ તૈયાર કરવામાં આવ્યો હતો. જેનું આજ તા. ૧૧ જાન્યુઆરી-૨૦૨૨ના રોજ ગુજરાત રાજ્યનાં પ્રવાસન, યાત્રાધામ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીનાં વરદ્દહસ્તે તેઓશ્રીની કચેરીમાં, ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું.
વિગતે વાત કરવામાં આવે તો આ વિમોચન પ્રસંગે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટનાં અધ્યક્ષ અને બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ, વહીવટદાર એસ.જે.ચાવડા, સિવિલ ઈજનેર જી. એલ. પટેલ, પી.આર.ઓ. સિસ્ટમ ઓફિસર આશિષ રાવલ ઉપરાંત અતુલ્ય વારસોનાં તંત્રી કપિલ ઠાકર, રોનક રાણા અને અન્ય ટીમ આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રકાશિત થયેલ આ અંકમાં વિશેષ કરીને ગબ્બર ખાતે નવનિર્મિત ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથ વિશે વિસ્તૃત માહિતી દર્શાવવામાં આવી છે.
આ ઉપરાંત અંબાજી મંદિરનાં ઈતિહાસ-ધર્મ-સંસ્કૃતિ, મંદિરની વાસ્તુકલા, યાત્રિકલક્ષી સુવિધાઓ, અંબાજી-દાંતા આસપાસના વિસ્તારમાં જોવા મળતો શિલ્પ-સ્થાપત્યકીય વારસો, દેવી શક્તિનું માહાત્મ્ય, સ્થાનિક આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીની અખબારી યાદીમાં જણાવાયું છે.