Gujarat Weather: રાજ્યના હવામાનમાં આવનારા ફેરફારોની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ચાલુ વર્ષમાં ઠંડીનું જોર અગાઉના વર્ષો જેવું જોવા મળી રહ્યું નથી અને આ સિવાય શિયાળો હુંફાળો રહેવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધવાની અને જાન્યુઆરીમાં હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ પણ અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, હવે દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશોમાં હિમવર્ષા થયા બાદ તેની અસર ગુજરાતની ઠંડીમાં પણ જોવા મળી રહી છે.
ગુજરાતનું આગામી સમયમાં હવામાન કેવું રહેશે?
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે, ગુજરાતનું આગામી સમયમાં હવામાન કેવું રહેશે તે અંગેની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં તેમણે ડિસેમ્બરના અંતમાં આવનારા ફેરફારોની વાત કરી છે. ગુજરાતમાં ઠંડી અનુભવાશે તેની વાત કરીને અંબાલાલ કહે છે કે તારીખ 29 અને 30 ડિસેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે, હવાનું હળવું દબાણ ઉભું થશે. બંગાળના ઉપસાગરમાં પણ હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતાઓ રહેલી છે.
થીજવતી ઠંડીનું જોર ધીમે-ધીમે વધશે
અંબાલાલે ઠંડી વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગાત્રો થીજવતી ઠંડીનું જોર ધીમે-ધીમે વધશે, 29મી ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે. 30મી ડિસેમ્બરની આસપાસ વાદળવાયું આવવાની શક્યતાઓ છે. 11મી જાન્યુઆરીએ પણ ઠંડા પવનો ફૂંકાશે. 24મી જાન્યુઆરીએ ઠંડા પવનો ફૂંકાશે.
કમોસમી વરસાદ માટે હવામાન સાનુકૂળ રહેશે
અંબાલાલ પટેલ જાન્યુઆરી માસમાં હવામાનમાં આવનારા પલટા અંગે વાત કરીને જણાવ્યું હતું કે, માસની શરુઆતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે. જેમાં દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ રહેલી છે. આ દરમિયાન જો કમોસમી વરસાદ માટે હવામાન સાનુકૂળ રહ્યું તો વધુ વરસાદ થઈ શકે છે.
Ahmedabad: સરખેજમાં કપિરાજે 25 લોકોને બચકા ભર્યા, વનવિભાગને જાણ હોવા છતાં પણ અજાણ
આમ ઉત્તરાયણ પહેલા પણ વાદળવાયું સર્જાવાની શક્યતાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે પણ હવામાન અચાનક બદલાયેલું જોવા મળી રહ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારે ધૂમ્મસ સાથે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાત સહિત દેશના ઘણાં રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે.