હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટયાના ઘણા દિવસો બાદ પરીક્ષા રદ્દ કરવા સરકારે નિર્ણય કર્યો હતો. જે બાદ હેડ ક્લાર્ક પેપરલીક કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ બાબતે અસિત વોરાને CMનું તેડું આવતા તેઓ મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા. જો કે મુખ્યમંત્રીની સાથે બેઠક પૂર્ણ કરી આસિત વોરાએ જણાવ્યું હતુ કે, આ બેઠક માત્ર શુભેચ્છા મુલાકાત હતી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ના ચેરમેન પદેથી અસિત વોરાએ રાજીનામું આપી દીધુ છે. ગુજરાતમાં પેપર લીકના પ્રકરણ બાદ અસિત વોરા સતત વિવાદમાં રહ્યાં છે. અસિત વોરાએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનું રાજીનામું સોપી દીધુ છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર લીક કાંડ બાદ મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગણી ઉગ્ર બની હતી. પેપરલીક કાંડ બાદ સરકારે રાજીનામું માંગ્યુ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, સરકારે વોરાની સાથે પેપરલીક કાંડમાં જવાબદાર અન્ય લોકો સામે પણ કડક પગલા ભરવા મુખ્યમંત્રીએ કહી દીધાની ચર્ચા છે.