સુરતમાં અનેક એવી માર્કેટ છે જ્યાં હોલસેલ ભાવે કાપડથી માંડીને તૈયાર કપડા મળી રહે છે. જેમાં સૌથી જૂની અને જાણીતી હોલસેલ માર્કેટ બોમ્બે માર્કેટ છે. જેમાંથી ન્યુ બોમ્બે માર્કેટ અલગ કરવામાં આવી છે અને આ હોલસેલ માર્કેટમાં કાપડ, ડ્રેસ મટીરીયલથી લઈને ચણિયાચોળી સુધીની તમામ વેરાઈટી સસ્તાથી સસ્તા ભાવમાં મળી રહે છે.
ગ્લોબલ માર્કેટની સામે આવેલ ન્યુ બોમ્બે માર્કેટ ખૂબ જ પ્રખ્યાત છે. જ્યાં 100 રૂપિયાની સાડીથી લઈને 8 હજાર રૂપિયા સુધીની કિંમતમાં કપડાં મળી રહે છે. અહીં ખાસ કરીને રેડીમેઈડ ચણિયાચોળી પણ માત્ર 1500 રૂપિયાથી લઈ 8000 રૂપિયા સુધીની કિંમતમાં જ મળી રહે છે સાથે જ 50 રૂપિયા પ્રતિ મીટરની શરૂઆતી કિંમતથી લઈને હજારો રૂપિયા પ્રતિ મીટર કાપડ મળી રહે છે.
આ માર્કેટની અંદાજે 250થી વધુ દુકાન વેઈટલેસ સાડી, ક્રીપ સાડી અને ખાદી સિલ્ક સાડી માટે ખૂબ ફેમસ છે. અવનવા કન્સેપ્ટ ઉપર તૈયાર થયેલી આ પ્રમાણેની સાડીને લેવા માટે લોકો દૂર દૂરથી સુરતની આ માર્કેટની વિઝીટ કરે છે. અહીં તમને બાંધણી, સિલ્ક, કોટન પ્રિન્ટેડ, જયપુરી, હેન્ડવર્ક જેવી અલગ અલગ પ્રકારની સાડીઓ મળી રહે છે આ સિવાય સલવાર-સૂટ, ચણિયાચોળી, બેડશીટ , કુર્તી, તૈયાર બ્લાઉઝ જેવા રેડીમેઇડ કપડાં પણ અમીરથી લઈને ગરીબ લોકોને પણ પરવડે એટલી કિંમતમાં મળે છે. સુરતના મોટે ભાગના ફેશન ડિઝાઈનર કપડા ખરીદવા અહીં જ આવે છે. તેઓ અહીંયાથી સસ્તા ભાવે ખરીદી કરી અને તેના પર કંઈક નવી ડિઝાઇન બનાવી તેનું વેચાણ કરી વધુ નફો મેળવે છે.
આ પણ વાંચો
મુંબઈને હરાવ્યા બાદ કેપ્ટન હાર્દિકનું મોટું નિવેદન, ફાઈનલ પહેલા ચેન્નાઈને આપી ચેતવણી
સુરત ટેક્સટાઈલ હબ હોવાના કારણે અહીંયા દરેક પ્રકારના કાપડ મળે છે અને લોકો કાપડની સાથે રેડીમેઈડ કપડાની ખરીદી પણ વધુ કરે છે . જેમાં જ્યોર્જેટ, બોનાન્ઝા, કોટન, સિલ્ક, વેલવેટ, લખનવી ચિકન, પટોળા, બાંધણી જેવા કાપડથી લઈને બ્રાઇડલ કપડા પણ ઓછી કિંમતે મળી રહે છે. ન્યુ બોમ્બે માર્કેટ સુરતના કેટલાક શ્રેષ્ઠ જથ્થાબંધ વેપારીઓનું હબ છે. જેમાં ગ્રાહકોને સાડીઓ, ચણીયા ચોલી, દુપટ્ટા, કુર્તી અને અન્ય કાપડ ખૂબ જ ઓછી કિંમતે મળતા હોવાને કારણે આ સુરતીઓનું પ્રિય માર્કેટ છે.