અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, જાણો ટાઈમટેબલ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કાંકરિયા ખાતેથી વાઈબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ-2023નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે AMC અને ઔડાના આશરે ₹216 કરોડના કુલ 27 વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું હતું. તેમાં સમાવિષ્ટ ઔડાના ₹60.79 કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ પર રણાસણ જંક્શન પરના ફ્લાય ઓવરબ્રિજ તથા રેલ્વે ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. વાઈબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ-2023ના ઉદ્ઘાટન પ્રસંગે શહેરના મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીના હસ્તે આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી રીડેવલપમેન્ટ અને પબ્લિક હાઉસિંગ પોલિસી અંતર્ગત 141 આવાસો અને 14 દુકાનોનો ડ્રો કરવામાં આવ્યો હતો તથા 2 લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીની ‘HIVની સાથે કેવી રીતે જીવીએ’ નામની પુસ્તિકાનું વિમોચન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સૌ ઉપસ્થિતોને સ્વચ્છતા અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા તથા AMCના અમદાવાદ સ્વચ્છતા માસ્કોટનું લોન્ચિંગ પણ મુખ્યમંત્રીના હસ્તે આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.

કાંકરિયા કાર્નિવલના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મતિથિ નિમિત્તે સૌને સુશાસન દિવસની શુભકામના પાઠવીને જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2014થી આપણે 25મી ડિસેમ્બરના દિવસને ‘સુશાસન દિવસ’ એટલે કે ‘ગુડ ગવર્નન્સ ડે’ તરીકે ઊજવીએ છીએ. ગુડ ગવર્નન્સ એટલે સામાન્ય માનવીને સુખ, સુવિધા, સગવડ અને સુખાકારી આપતું શાસન.

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, શહેરીવિકાસ સહિત શહેરીજનો માટે મનોરંજન અને જનસુખાકારી વધે તેવા અનેકવિધ વિકાસ પ્રકલ્પો થકી વિકાસની પરિભાષા ખરાં અર્થમાં સાર્થક થઈ રહી છે. એટલે જ આજે આપણાં શહેરો હેપ્પીનેસ ઇન્ડેક્સમાં આગળ આવી રહ્યા છે અને દેશમાં સ્માર્ટ અને સસ્ટેનેબલ શહેરો સતત વિકસી રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હમણાં થોડા જ દિવસ પહેલા વડાપ્રધાનશ્રીએ સુરતને ડાયમંડ બુર્સની ભેટ આપી છે. એ જ રીતે, અમદાવાદને પણ સાબરમતી રિવરફ્રન્ટ અને અટલબ્રિજ જેવા વિકાસ પ્રકલ્પોની ભેટ તેમના નેતૃત્વમાં મળી છે. નગરજનોના આનંદ પ્રમોદ, સહેલગાહ અને મનોરંજનના ઉદ્દેશ સાથે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2008માં શરૂ કરાવેલો કાંકરિયા કાર્નિવલ આજે વૈશ્વિક સ્તરે જાણીતો બન્યો છે.

વર્લ્ડ હેરિટેજ સિટીનો આ ફેસ્ટિવલ વર્લ્ડ ફેમસ બન્યો છે. જાણીતા સાંસ્કૃતિક કલાકારો દ્વારા પીરસાતા મનોરંજનની સાથે સાથે આ ઉત્સવ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને તેમની પ્રતિભા બતાવવાનું મંચ પણ બન્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ વર્ષે કાંકરિયા કાર્નિવલના 14મા સંસ્કરણની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ’ છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં આ વર્ષે આપણે G20 સમિટની યજમાની કરી. અમદાવાદે G20 અંતર્ગત અર્બન સમિટ U20ની યજમાની કરીને ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાનો પરિચય સુપેરે અપાયો હતો. આજે આ કાર્નિવલ પણ નૃત્ય, સંગીત, કલા અને મોર્ડન ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવી ઉમદા ભાવનાને ચરિતાર્થ કરવા જઈ રહ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ કાંકરિયા તળાવના વિકાસનો ચિતાર આપતા જણાવ્યું કે, પહેલા કાંકરિયા બાલવાટિકા, નગીનાવાડી, માછલીઘર માટે જ જાણીતું હતું. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કાંકરિયા તળાવની કાયાપલટ કરી શહેરનું આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું. વર્ષ 2006માં રૂ. 36 કરોડના ખર્ચે નિર્માણ પામેલું કાંકરિયા લેક ફ્રન્ટ ગુડ ગવર્નન્સ અને શહેરીકરણ સાથે વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લા 14 વર્ષમાં 7 કરોડથી વધુ લોકોએ કાંકરિયા લેક ફ્રન્ટની મુલાકાત લીધી છે. આજે અમદાવાદ શહેરમાં અનેક માળખાકીય સુવિધા વિકસાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ વધુ ઉમેરતાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધી વિકસિત ભારત બનાવવાનો નિર્ધાર કર્યો છે તે અંતર્ગત 9 સંકલ્પો આપ્યા છે. જેમાંના બે સંકલ્પો પાણીની બચત અને સ્વચ્છતાના છે. આ સાથે મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌ લોકોને અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા તથા પાણીનો પ્રસાદની જેમ ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું.

શહેરના મેયર પ્રતિભા જૈને સ્વાગત પ્રવચન કરતાં સૌને સુશાસન દિવસ અને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, અમદાવાદ 600થી વધુ વર્ષોનો ભાતીગળ ઇતિહાસ ધરાવતું શહેર છે. વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તહેવારોને જાહેરજીવનનો ભાગ બનાવીને કલા સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કાંકરિયા તળાવની કાયાપલટ કરી પર્યટન સ્થળ બનાવી કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાવી હતી.

મેયર પ્રતિભા જૈને વધુમાં વાત કરતાં કહ્યું કે, પ્રધાનમંઓત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને સસ્ટેનેબેલ ડેવલપમેન્ટનું રોલ મોડેલ બનાવીને વિશ્વ ફલક પર સ્થાન અપાવ્યું છે. સાથે જ, મેયરશ્રીએ ‘વાઈબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ 2023’માં આગામી દિવસોમાં રજૂ થનાર પ્રસ્તુતિઓની વિગતો આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તા.25 થી તા.31 ડિસેમ્બર સુધી ચાલનારા આ ‘વાઈબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ 2023’માં દરરોજ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે, જેમાં વિવિધ લોક કલાકારો ઉપસ્થિત રહી મનોરંજન પૂરું પાડશે. આ ઉપરાંત, અહીં બાળકોના મનોરંજન માટે બાળ નગરી અને લાઈવ કેરેક્ટર્સની પણ સુવિધા ઉપલબ્ધ છે. વધુમાં, આ કાર્નિવલ અંતર્ગત હસ્તકળા મેળો પણ યોજાશે. દરરોજ રાત્રે ‘વિકસિત ભારત સંકલ્પ થીમ’ આધારિત લેસર શો પણ યોજાનાર છે.

હદ છે પણ હોં! મુખ્યમંત્રીની જીભ લપસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી દીધી, ચારેકોર બદનામી થઈ

વાહન ધીમે ચલાવજો બાપલિયા: કોરોના કરતાં એક્સિડન્ટ વધારે ઘાતક! મોતની સંખ્યાનો આંકડો જાણી ફફડી જશો

VIDEO: કોંગ્રેસના મુસ્લિમ નેતાને જબ્બર પાવર! ચાલુ યાત્રાએ એક શખ્સને નેતાજીએ જોરદાર લાફો ઝીંકી દીધો

કાંકરિયા કાર્નિવલના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના ધારાસભ્યઓ, ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટે. ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસન તથા મ્યુનિ.ના પદાધિકારીઓ અને અધિકારીઓ, કોર્પોરેટરઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Share this Article