કોરોનાની બીજી લહેર ભાગ્યે જ કોઈ વ્યક્તિ ભૂલી શકશે. મે, ૨૦૨૧માં અમદાવાદ શહેરમાં દરરોજ કોરોનાના ૫૦૦૦-૬૦૦૦ નવા કેસ સામે આવતા હતા. તે સમયે હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ હતી. લોકો હોસ્પિટલમાં પથારી મેળવવા માટે વલખાં મારતા હતા. સિવિલ હોય કે અન્ય કોઈ સરકારી હોસ્પિટલ, હોસ્પિટલોની બહાર લાઈનો જાેવા મળતી હતી. એમ્બ્યુલન્સમાં લોકોના જીવ જતા હતા. પોતાના સ્વજનને કોઈ પણ ભોગે વેન્ટિલેટર અથવા ઓક્સિજન મળી જાય તે માટે લોકો શક્ય હોય તેટલા તમામ પ્રયત્નો કરતા હતા.
સ્થિતિ એવી હતી કે હોસ્પિટલોમાં ૯૦ ટકા પથારીઓ ભરાયેલી હતી. અમદાવાદ તે કપરો સમય ક્યારેય નહીં ભૂલી શકે. નોંધનીય છે કે ફરી એકવાર અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. રવિવારના રોજ શહેરમાં ૬૦૦૦ નવા કેસ સામે આવ્યા હતા. પરંતુ અત્યારે સદ્દનસીબે સ્થિતિ બીજી લહેર જેટલી વણસી નથી. હોસ્પિટલોમાં પણ પૂરતી વ્યવસ્થા જળવાઈ રહી છે. ૯૦ ટકા પથારીઓ ખાલી હતી અને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા દર્દીઓની સંખ્યા પણ ઘણી જ ઓછી છે.સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો અહીં કોરોનાના દર્દીઓ માટે ૧૨૦૦ પથારીઓ ઉપલબ્ધ હતી, જેમાં માત્ર ૧૧૪ કોરોના દર્દીઓની જ સારવાર ચાલી રહી છે.
અત્યારે કોરોનાના દર્દીઓમાં સામાન્ય લક્ષણો જ જણાય છે. ઓક્સિજન ઘટી જવાની સમસ્યા અત્યારે કોરોનાના દર્દીઓમાં જાેવા નથી મળતી. શરદી, તાવ, ગળામાં ખારાશ વગેરે જેવા લક્ષણો જ મોટાભાગના દર્દીઓમાં હોય છે. અમદાવાદની એક હોસ્પિટલના સંચાલક જણાવે છે કે, મુખ્ય કારણ એ છે કે કોરોનાનું ઓમિક્રોન વેરિયન્ટ દર્દીના ફેફસાને પ્રભાવિત નથી કરતું. અત્યારે જે કોરોનાના કેસ સામે આવે છે તેમાં ૯૫ ટકા એવા હોય છે જે પાછલા ૩-૪ દિવસથી હળવા લક્ષણોથી પીડાઈ રહ્યા હોય અને પછી તબીબોની સલાહથી ટેસ્ટ કરાવે. ગત વર્ષે કપરી સ્થિતિ સર્જાઈ હતી કારણકે હોસ્પિટલમાં દાખલ મોટાભાગના દર્દીઓને ઓક્સિજન સપોર્ટની જરુર પડતી હતી.