ભાજપે વિધાનસભાના 160 લડવૈયા મેદાને ઉતારી દીધા છે. ત્યારે ઘણાને અસંતોષ છે તો ઘણાને જેકપોટ પણ લાગ્યો છે. ત્યારે વાત કરીએ વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની તો સૌથી ચર્ચિત રહેનારો ચહેરો છે. કોઈને કોઈ વાતને લઈ મધુ મીડિયામાં હેડલાઈન્સમાં રહે છે. તેણે પહેલાં મીડિયા સમક્ષ કહ્યું, આ વખતે મારી ચૂંટણી લડવાની ઇચ્છા ઓછી છે, હું પત્નીને ચૂંટણી લડાવીશ. જોકે ત્યાર બાદ તેમણે નિવેદન ફેરવી તોળતાં કહ્યું, મારી પત્ની બાજુમાં ઊભી હતી, તેને સારું લાગે એટલે હું તો મજાક કરતો હતો. ત્યારે હવે નામ જાહેર થયાં એમાં મધુનુ પત્તુ કપાઈ ગયું છે. અને એની જગ્યાએ વાઘોડિયાથી અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે.
તો વળી એક એવી વાત પણ વહેતી થઈ છે કે સત્તાવાર યાદી જાહેર કરતાં પહેલાં ભાજપે મોડી રાત્રે કેટલાક દાવેદારોને ફોન કર્યા હતાં. ગીર સોમનાથમાં જશા બારડનું પત્તું કપાયું અને માનસિંહ પરમારને ટિકિટ આપી હોવાની ચર્ચા છે. તો કોંગ્રેસમાં ગઈકાલે ભાજપમાં આવેલા ભગા બારડને ટિકિટ અપાઈ હોવાની પણ ચર્ચા હતી. ગઢડા બેઠક પરથી સાંસદ શંભુ પ્રસાદ ટૂંડિયાને ફોન આવ્યો હતો, જ્યારે અમરેલી બેઠકથી કૌશિક વેકરિયા અને લીંબડીથી કિરીટસિંહ રાણાની ટિકિટ લગભગ ફાઈનલ મનાતી હતી. જો કે હવે નામ જાહેર થતાં સૌ કોઈનું કન્ફ્યુઝન દૂર થઈ ગયું છે.